તાપી : મહારાષ્ટ્રથી સુરત જાન લઈને જતી બસને નડ્યો અકસ્માત, ટેન્કર સાથે અથડાતાં 3 લોકોનું મોત

Update: 2021-02-05 04:55 GMT

તાપી જિલ્લાના વ્યારા-બાજીપૂરા નેશનલ હાઇવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે 6થી વધુ લોકોને ગંભીર ઇજાના પગલે વ્યારા અને સુરતની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના વ્યારા-બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર શુક્રવારની વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના માલેગાંવથી લગ્ન પ્રસંગે સુરત તરફ જાન લઈને જતી તાજ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ આગળ ચાલતા ટેન્કરની પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. ઘટનામાં 3 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે 7 જેટલા લોકોને ગંભીર ઇજા પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તો પૈકી 3 લોકોને સુરત, જ્યારે 4 લોકોને વ્યારાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસની એક સાઈડના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. વ્યારા-બાજીપૂરા નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે પોલીસે ક્રેનની મદદ લઈ અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. હાલ તો અકસ્માત થવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News