વડોદરા : લોકડાઉનના સાતમા દિવસે લોકો ભુખથી ટળવળી રહયાં છે

Update: 2020-03-31 12:56 GMT

લોક ડાઉનના સાતમા દિવસે હવે ગરીબ લોકોનો હાલત કફોડી બની છે. ધંધા- રોજગાર બંધ થતાં હવે તેમને બે ટંક ભોજનના ફાફા પડી રહયાં હોવાથી તેઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી.

કિશનવાડી વુડાના મકાનમાં રહેતા લોકોને કોઇ સહાય ન પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક રહીશોએ વેદના ઠાલવતા કહ્યું કે, અમે તા.22 માર્ચથી સવારનું બનાવેલું જમવાનું રાત્રે જમીને દિવસ પસાર કરી રહ્યા છે. જો અમે બહાર નીકળીએ તો પોલીસ મારે છે. વડોદરા લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારથી પોલીસ તંત્ર સહિત સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા જમવા સહિતની સહાય વિવિધ વિસ્તારોમાં પૂરી પાડી રહ્યું છે.

પરંતુ, શહેરના કિશનવાડીમાં આવેલા વુડાના મકાનોમાં રહેતા લોકો કહે છે કે, અમે તા.22 માર્ચથી સવારે રાંધેલું જમવાનું રાત્રે જમીને દિવસો પસાર કરી રહ્યા છે. ઘણા લોકોના ઘરોમાં અનાજની સાથે રોકડ રકમ ખતમ થઇ ચુકી છે. રોજનું કમાઇને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની ચુકી છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ભલે મદદના દાવા કરતાં હોય પણ કિશનવાડીના વુડામાં રહેતા લોકોનો આક્ષેપ છે કે તેમના સુધી હજી કોઇ મદદ કે ભોજન પહોંચ્યું નથી. પારાવાર યાતના ભોગવી રહેલા લોકોએ લોક ડાઉન ઝડપથી હટાવી લેવામાં આવે તેવી માંગ કરી છે.

Similar News