વડોદરા : નારેશ્વરમાં સર્જાઈ કરુણાંતિકા, નર્મદા નદીમાં ડૂબી જતાં ભરૂચના 3 યુવાનોનું મોત

Update: 2020-06-28 15:17 GMT

વડોદરા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ભરૂચના લિંક રોડ તેમજ શ્રવણ ચોકડી નજીક રહેતા પરિવારના 3 યુવાનો નર્મદા નદીમાં ન્હાવા પડતાં ડૂબી જતાં કરુણાંતિકા સર્જાઇ હતી. ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના લિંક રોડ તેમજ શ્રવણ ચોકડી વિસ્તારમાં રહેતા પરિવારના 10 જેટલા સભ્યો સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે ફરવા ગયા હતા. જોકે પરિવારના સભ્યો નદીમાં ન્હાવા પડતાં આયુષમાનસિંગ, ઉત્સવ મોદી અને આદિત્ય માંગે નામના 3 યુવાનો ઉંડા પાણીમાં ડૂબી જતાં ભારે ભાગદોડ મચી હતી.

સમગ્ર બનાવની જાણ સ્થાનિક તરવૈયાઓને થતાં ડૂબી ગયેલા ત્રણેય યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. જોકે શોધખોળના અંતે ડૂબી ગયેલા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનામાં 3 આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. સમગ્ર મામલે કરજણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News