પંચમહાલ : ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને સેવાસદન, ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી

Update: 2021-07-17 16:17 GMT

જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને સેવાસદન, ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોમાં પેન્ડિંગ અરજીઓની સ્થિતિ, નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલની સ્થિતિ, તૈયાર કરવાના થતા પેન્શન કેસોની સ્થિતિ, ખાતાકીય તપાસના બાકી કેસોની સ્થિતિની વિગતવાર માહિતી લેતા આ અંગે ઝ઼ડપી કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. વિવિધ વિભાગો દ્વારા બાકી નીકળતા સરકારી લહેણાની વસૂલાત વિશે વિગતો મેળવતા આ કામગીરી અગત્યની હોવાથી તેને પ્રાધાન્ય આપવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. દરેક વિભાગને કર્મચારીઓના નિવૃત્તિના અને પેન્શનના કેસો સમય મર્યાદામાં તૈયાર કરી આગામી સમયમાં નિવૃત થતા કર્મચારીઓની જરૂરી કામગીરી આગોતરા આયોજન સાથે કરવા જણાવ્યું હતું. સમયસર દરેક યોજનાનો લાભ નાગરિકોને મળે તો જ સરકારની યોજનાઓ ફળીભૂત થાય છે એમ જણાવી દરેક વિભાગને પોતાના હસ્તકની યોજનાઓ અંગે સંવેદનશીલતા જાળવી જાહેર જનતાને મદદરૂપ થવાના હેતુથી કામગીરી કરવા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી.ચુડાસમા, પ્રાયોજના વહીવટદાર એસ.કે.રાઠોડ, પ્રાંત અધિકારી ગોધરા એન.બી.રાજપૂત, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન (સ્ટેટ) એન.સી. ભટ્ટ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News