વલસાડ : કરજ-ગોવાડા ગામે આંતરિક રસ્‍તાઓના કાર્યનું આદિજાતિ વિકાસ મંત્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

Update: 2020-09-28 09:42 GMT

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજ ગામ ખાતે રૂા.૧૩૬ લાખના ખર્ચે નવા બનાવવામાં આવનારા વિવિધ ચાર જેટલા રસ્‍તાઓની કામગીરી તેમજ ગોવાડા ગામે રૂ. ૨૩૩ લાખના ખર્ચે નિર્માણ થનારા વિવિધ ૬ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ઉમરગામ તાલુકો મોટાભાગની આદિજાતિની વસતિ ધરાવે છે. આદિવાસીઓ તેમના મૂળભૂત રીત રિવાજ મુજબ દેવી-દેવતાઓનું પૂજન કરી તહેવારોની શરૂઆત કરે છે. એવા જ એક કરજગામના જગમોડી માતાના મંદિરે મોટી સંખ્‍યામાં ભક્‍તજનો આસ્‍થાથી આવે છે. રાજ્‍ય સરકારે ધાર્મિક સંસ્‍થાનોના વિકાસ માટે મોટા બજેટની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભારતીય સંસ્‍કૃતિની જાળવણી માટે તેમના ગુજરાતના મુખ્‍યમંત્રી શાસનકાળ દરમિયાન પ્રવાસન વર્ષની ઉજવણી કરી અનેક દેવસ્‍થાનોનો પ્રવાસન સ્‍થળ તરીકેનો વિકાસ કર્યો છે. રાજ્‍ય સરકારે પ્રજાજનોની જરૂરિયાત મુજબની માળખાકીય સુવિધાઓ આપવાના ભાગરૂપે અનેકવિધ રસ્‍તાના કામોની મંજૂરી આપી છે.

કરજ ગામ તેમજ ગોવાડા ગામે ખાતમુહૂર્ત કરાયેલા રસ્‍તાઓ ઉપરાંત બાકી રહેલા રસ્‍તાઓના નવીનીકરણ માટે જીઆઇડીસીની ગ્રાન્‍ટમાંથી નાણાંની ફાળવણી કરવામાં આવનાર હોવાનું આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું. પ્રજાકીય પ્રશ્‍નોનું સત્‍વરે નિરાકરણ થાય તે માટે રાજ્‍ય સરકાર સતત તકેદારી રાખે છે, જે માટે સબંધિત ગામના અગ્રણીઓ પણ સહયોગ આપી ગામના પ્રશ્‍નોની યોગ્‍ય રજૂઆત કરે તે જરૂરી છે. સૌને સાથ સૌનો વિકાસ સૂત્રને સાકાર કરવા માટે રાજ્‍ય સરકાર ગામેગામ અનેકવિધ પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે ત્‍યારે ગામના વિકાસકાર્યો માટે સરપંચ સહિત ગ્રામજનોનો સહયોગ પણ જરૂરી છે.

Similar News