US વિમાનથી નીચે પટકાઈ મોતને ભેટનાર અફઘાની યુવક હતો યુવા ફૂટબોલર

Update: 2021-08-20 10:17 GMT

તાલિબાનના ખૌફના કારણે કાબુલ એરપોર્ટ પર પ્લેનમાં ચડવા માટે નાસભાગ મચી હતી. ઘણા લોકો દેશ છોડવા માટે પ્લેનના વ્હીલ પર પણ બેઠા હતા. કેટલાક લોકો વિમાનની ઉપર પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન પ્લેન ટેક ઓફ થયા બાદ વ્હીલ પર બેઠેલા ત્રણ લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા હતા.

જેમાં અફઘાનિસ્તાનની નેશનલ ફૂટબોલ ટીમના 19 વર્ષના ખેલાડી ઝાકી અનવારીનું મોત પણ થયું હોવાનું જાણવા મળે છે. આકાશમાથી ઉડી રહેલા વિમાનમાંથી કુલ ત્રણ લોકો નીચે ખાબક્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. અફઘાનિસ્તાનમાં હાલ જે પરિસ્થિતિ ઊભી થવા પામી છે તેને જોઈને અસંખ્ય લોકો દેશ છોડી જવા માંગે છે.

તાલિબાનોએ અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા વિમાનમાંથી પડ્યા બાદ ઝાકી અનવરીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ અફઘાન ફૂટબોલર કાબુલમાં અમેરિકી સૈન્ય વિમાનમાંથી પડી ગયો હતો. અફઘાનિસ્તાનની નેશનલ ફૂટબોલ ટીમે તેના મોત બાબતે ફેસબુક પેજ પર પુષ્ટિ કરી છે.

સ્પોર્ટ્સ ડિરેક્ટોરેટ દ્વારા પણ કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરતાફરી બાદ તેના દુ:ખદ મૃત્યુની પુષ્ટિ કરાઈ હતી. દેશ છોડવાનો પ્રયાસ કરતા લોકોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફ્રાન્સ 24ના રિપોર્ટ મુજબ અનવારી અફઘાનિસ્તાનથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે વિમાનમાંથી પડ્યા બાદ મૃત્યુ પામેલા લોકો પૈકીનો એક હતો.

કતાર પહોંચ્યા બાદ અમેરિકાના C -17 ટ્રાન્સપોર્ટ જેટના વ્હીલ વેલમાં અનવરીના શરીરના અવશેષો મળી આવ્યા હતા. તેની ફૂટબોલ ટીમ ખોરોસન લાયન્સે કહ્યું કે, તે યુએસ C -17 ટ્રાન્સપોર્ટની કિનારે ચોંટેલા યુવાન પૈકીનો હતો. તેણે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નોંધનીય છે કે, રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ નઇમે અલ જઝીરાને જણાવ્યું હતું કે, તાલિબાન અલગતામાં રહેવા માંગતું નથી અને અફઘાનિસ્તાનમાં નવી સરકારના પ્રકાર અને સ્વરૂપ અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે.

Tags:    

Similar News