ખરોડ ડમ્પિંગ સાઇટ કૌભાંડમાં ખુદ કેમિકલ માફિયાઓએ જ વેસ્ટનો નિકાલ કરી નાંખ્યો.

Update: 2016-04-19 10:35 GMT

જીપીસીબીએ વૈજ્ઞાનિક ઢબે પ્રદૂષિત કચરાનો નિકાલ કરવાની સૂચનાઓ આપી હતી.

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ઉદ્યોગોમાંથી લાવીને કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૌભાંડ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ નિગમે ઝડપી પાડ્યું હતું. પરંતુ આ પ્રદૂષિત કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાના બદલે માફિયાઓએ ગેરકાયદેસર રીતે જ વેસ્ટ સગેવગે કરી નાંખ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અને જીપીસીબીએ તાલુકા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે.

અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ નિગમના પ્રાદેશિક અધિકારી એ.વી.શાહ અને તેમની ટીમે 28મી ઓક્ટોમ્બર 2014ના રોજ ખરોડ ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઉદ્યોગોનો કેમિકલ વેસ્ટનો જથ્થો ઠાલવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલ વેસ્ટ તેમજ લાલ રંગના પાણીવાળું આખુ તળાવ ભરેલો જથ્થો જીપીસીબીને મળી આવ્યો હતો.

કેમિકલ વેસ્ટના વિપુલ પ્રમાણમાં મળી આવેલા જથ્થા સંદર્ભે જીપીસીબીએ જળ, જમીનને પ્રદૂષિત કરતા તત્વો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

પ્રદૂષિત કચરાને અંકલેશ્વરની બેઇલ કંપનીમાં ઇન્સીનેટરમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ હજારો મેટ્રીક ટન કચરાનો કાયદાકીય રીતે નિકાલ થાય તે પહેલાં જ પ્રદૂષણ માફિયાઓએ ખરોડ ગામની સીમમાંથી ઔદ્યોગિક કચરો સગેવગે કરી નાંખ્યો છે. આ તત્વોએ જેટલી જમીનમાં વેસ્ટ ડમ્પ કર્યો હતો ત્યાં ખોદીને માટી નાંખીને તેમજ અન્ય રીતે કચરાને સગેવગે કરવાનું કૃત્ય આચર્યું હતું. જે બાબત જીપીસીબીની ધ્યાનમાં આવતા ખરોડ ઔદ્યોગિક કચરાનો મામલો પુનઃ એકવાર તાલુકા પોલીસના દ્વારે પહોંચ્યો હતો.

જીપીસીબીના નાયબ પર્યાવરણ ઇજનેર એસ.બી.પરમારે જળ, જમીન અને હવાને પ્રદૂષિત કરવા ઉપરાંત જોખમી હેઝાર્ડસ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરી ગંભીર કૃત્ય આચરનાર ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીની શોધખોળ આદરી છે.

Tags:    

Similar News