ગતિશીલ ગુજરાતમાં ટીકિટ બારી વિનાનું રેલવે સ્ટેશન, તમામ લોકલ ટ્રેનોનું છે સ્ટોપેજ

Update: 2018-05-05 07:01 GMT

સુરત નજીક કુડસદ રેલવે સ્ટેશને ટીકિટ બારી બંધ હોવાથી મુસાફરો ટીકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવા મજબૂર

ગતિશીલ ગુજરાતમાં સરકાર દ્વારા એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી કરી રહી છે. ત્યારે સુરત નજીક એક એવું ગામ જ્યાં તમામ લોકલ ટ્રેનોનું સ્ટોપેજ છે. પણ અહીં નથી કોઈ પ્લેટફોર્મ કે નથી ટીકિટ બારી. છેલ્લા ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી ટિકિટનું વેચાણ જ નથી થતું. ત્યારે મુસાફરો કેવી રીતે રેલ્વે મુસાફરી કરે છે તે જાણવું રસપ્રદ બની ગયું છે.

સુરતના કુડસદ રેલ્વે સ્ટેશનની આ વાત છે. આ રેલ્વે સ્ટેશન નાનું છે પણ મોટાભાગની તમામ લોકલ ટ્રેનો આ સ્ટેશન ઉપર ઉભી રહે છે. પરંતું આ સ્ટેશન ઉપર ન તો સ્ટેશન માસ્ટર છે. ન તો અહીં ટિકિટ મળે છે. એટલે સ્વાભાવિક રીતે મુસાફરો મજબૂરીમાં ટિકિટ વગર જ રેલ્વે મુસાફરી કરવા મજબુર બન્યા છે. જેની ખોટ રેલ્વે તંત્ર ભોગવી રહ્યું છે.

આ ગામમાં સૌથી વધુ મુસાફરો પાસ હોલ્ડર છે. પરંતુ કેટલાય મુસાફરો રેલ્વે સ્ટેશન ઉપર ટીકિટ ન મળવાના કારણે ખુદાબક્ષ બનીને રેલ્વે મુસાફરી કરી લે છે. બીજી તરફ આ ગામ મીની ડાકોર તરીકે ઓળખાય છે. એટલે દર પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે અહીં દર્શન કરવા આવતા હોય છે. પરંતુ દર્શન કરી પરત કુડસદ સ્ટેશને ટ્રેન પકડવા જાય તો તેમને સ્ટેશન ઉપર રેલ્વે ટિકિટ નહિં મળતા આખરે ટીકિટ માટે 10 રૂપિયા બગાડી સ્પેશિયલ રિક્ષા કરી 3 કિમિ દૂર આવેલા કિમ રેલ્વે સ્ટેશને જવું પડે છે. કેટલાક મુસાફરો આગલા સ્ટેશનેથી ટિકિટ લેવાની ઈચ્છા સાથે ટ્રેન મુસાફરી કરી લે છે. તો કેટલાક મુસાફરો રેલ્વેમાં ટીકિટ વગર જ મુસાફરી કરવા મજબુર બને છે. ઘણી વખત તેમનો ભેટો ટી.સી સાથે જાણે-અજાણે થઇ જાય તો નિર્દોષ મુસાફરોએ દંડ ભરવા નો વારો પણ આવે છે. આ બાબતની સ્થાનિકોએ રેલ્વે તંત્ર ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પરિણામ શુન્ય રહ્યું છે.

કુડસદ રેલ્વે સ્ટેશનની જો વાત કરીએ તો આ સ્ટેશન ઉપર નથી પીવાના પાણીની સુવિધા. અહીં આવેલાં જાહેર શોવચાલયો પણ નકામા બની ગયા છે. પ્લેટફોર્મમાં પથ્થરો પોતાની જગ્યાએથી નીકળી ગયા છે. ખાસ કરીને આ ગામની મહિલાઓ, શાળા કોલેજમાં જતી યુવતીઓ વિરાર શટલમાં ઘરે પરત ફરે છે ત્યારે ટ્રેન ફાટકથી 50 થી 60 મીટર દૂર ઉભી રહે છે. સ્ટેશન પર લાઈટ નહીં હોવાને કારણે આ યુવતીઓ પરેશાની ભોગવી રહી છે. તેઓ ટીકિટ બારી અને લાઈટ મુકવાની માંગ કરી રહી છે.

આમ તો સરકાર બુલેટ ટ્રેન ની વાતો કરે છે ત્યારે કુડસદ ગામના રેલવે સ્ટેશનની આવી હાલત જોઈ આવનારી બુલેટ ટ્રેન પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કુદસદ રેલવે સ્ટેશનની કફોડી હાલતને લઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

Similar News