ગોધરા: EVM અને VVPAT મશીનમાં એરર દેખાતા કેમ્પ વિખેરાઈ ગયો!!

Update: 2019-04-05 06:21 GMT

  • ગોધરા ખાતે એન્જીનીયરીંગ કોલેજ ખાતે પ્રિસાઈડિંગ અને પોલિંગ કર્મચારીઓને મોકપોલ તાલીમ કેમ્પ
  • કેમ્પમાં ૩૫૦ જેટલા અધિકારી/કર્મચારીઓ હાજર રહયા.
  • કેમ્પમાં લાવવામાં આવેલ સાત જેટલા ઈ.વી.એમ અને વી.વી.પેટ મશીનોમાં એરર દેખાય દેતા માસ્ટર ટ્રેનરો ટ્રેનિંગ ના આપી શક્યા.
  • આ પદ્ધતિઓની સૂચના અને ડેમોસ્ટ્રેશન બાદ આજનો આ તાલીમ કેમ્પ પૂર્ણ કરવામાં આવ્યો.

ગોધરા ખાતે આવેલી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજમાં અંદાજે ૩૫૦ જેટલા મતદાન મથકોના કર્મચારીઓને મોક તાલીમમાં બોલાવ્યા તો ખરા પરંતુ EVM અને VVPAT મશીનમાં એરર દેખાતા કેમ્પ વિખેરાઈ ગયો હતો.

પંચમહાલ લોકસભા બેઠક માં મતદાન મથકમાં ફરજો બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજ રોજ મોકપોલ તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો હતો, આ કેમ્પમાં રાખવામાં આવેલા મોટા ભાગના ઈ.વી.એમ. અને વી.વી.પેટના મશીનોમાં એરર દેખાતા તાલીમ માટે બોલાવવામાં આવેલા આ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે નારાજગીઓ જોવા મળી હતી અંતે મોકપોલની તાલીમ લીધા વગર જ અધિકારી અને કર્મચારીઓને રવાના થવું પડ્યું હતું.

મોકપોલ તાલીમ માટે ઉપસ્થિત રહેલા માસ્ટર ટ્રેનરો દ્વારા તંત્ર તરફથી અમોને જે ઈ.વી.એમ. અને વી.વી.પેટ મશીનો આપવામાં આવ્યા એમાં એરર આવે તો અમો તમોને તાલીમ કેવી રીતે આપી શકીએ? આ સંદેશા સાથે દોડી આવેલા ગોધરા મામલતદાર દ્વારા ટ્રેનરોને તમારે મશીન ચેક કરીને લાવવા જોઈએ ને! એમ કહીને માસ્ટર ટ્રેનરો ઉપર દોષનો ટોપલો ઢોળવાના પ્રયત્નો ના શબ્દો સાંભળ્યા બાદ આજની બેદરકારી જેવી મોકપોલની તાલીમ પણ મૂકપ્રેક્ષક જેવી બની રહી હતી!

ગોધરા ખાતે આવેલી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજમાં પંચમહાલ લોકસભા બેઠકના મતદાન કેન્દ્રોમાં ફરજો માટે નિયુક્ત કરવામાં આવેલા પ્રિસાઈડિંગ ઓફિસરો,પોલિંગ ઓફિસર-૧ અને પોલિંગ ઓફીસર-૨ માટે ઈ.વી.એમ. અને વીવીપેટ મશીનોના ડેમોસ્ટ્રેશન સાથેના મોકપોલનો અગત્યનો તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં ૩૫૦ ઉપરાંત સરકારી કર્મચારીઓ આજના મોકપોલ કેમ્પમાં ફરજિયાત હાજર રહ્યા હતા અને સાત બ્લોકમાં કર્મચારીઓને બેસાડવામાં આવ્યા હતા અને ડેમો માટે ઈ.વી.એમ.અને વી.વી.પેટ મશીનોના સાત સેટ લાવવામાં આવ્યા હતા.

પરંતુ માસ્ટર ટ્રેનરો દ્વારા ડેમો માટેના મોકપોલની તાલીમ શરૂ કરવામાં આવી ત્યારે ઈ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોમાં ૨.૭ લખેલ એરર દેખાવા લાગી હતી.આ એરરને દૂર કરવા માટે માસ્ટર ટ્રેનરો પણ મુંઝવણમાં મુકાયા હતા કે હવે પ્રિસાઈડિંગ અને પોલિંગ ઓફિસરોને મોકપોલની તાલીમ પણ કેવી રીતે આપવી? આ સંદર્ભની જાણ સાથે ગોધરા મામલતદાર પણ એન્જીનીયરીંગ કોલેજ ખાતે દોડી આવ્યા હતા.અને એરર દર્શાવતા મશીનો સંદર્ભમાં માસ્ટર ટ્રેનરો સાથે વાર્તાલાપ કરીને તમારે મશીનો ચેક કરીને લાવવા જોઈતા હતા અને ચૂંટણીના મતદાનના દિવસે આવા ખામીયુક્ત મશીનો આવે નહીં એવી તકેદારીઓના સૂચનો સાથે હાજર રહેલા તમામ કર્મચારીઓને તમોને આગલા દિવસે ઈ.વી.એમ. અને વી.વી.પેટ મશીનો આપવામાં આવશે પરંતુ કોઈએ પણ આ ચેક કરવાના નથી અને જે પણ આ મશીનો ચેક કરશે તેની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસરની રહેશે.

આ બન્ને મશીનો મતદાનના દિવસે સવારે ખુલ્લા કરીને મોકપોલ કરવાના રહેશે આ સખત સૂચનાઓ આપીને મામલતદાર રવાના થયા હતા.જ્યારે અધિકારી અને કર્મચારીઓની મોકપોલ તાલીમ માટે લાવવામાં આવેલા આ ઈ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોમાં એરર ના અભાવે તાલીમના અભાવ વચ્ચે આ બન્ને મશીનોને સીલ કેવી રીતે કરવાના આ પદ્ધતિઓની સૂચના અને ડેમોસ્ટ્રેશન બાદ આજનો આ તાલીમ કેમ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Similar News