ચૈત્ર નવરાત્રિઃ Special: 1200 વર્ષ જૂના આ મંદિર પર ફેંકાયા હતા હજારો બોમ્બ, છતાં રહ્યું અડીખમ

Update: 2018-03-16 11:35 GMT

રાજસ્થાનના જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત તનોટ માતાનું લગભગ 1200 વર્ષ જૂનું મંદિર ઘણા હુમલાઓ બાદ પણ અડીખમ છે. રાજસ્થાનમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિત તનોટ માતાનું મંદિર આમ તો હંમેશાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પણ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર દેશવિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ બની ગયું.

એવું કહેવાય છે કે, 1965ના યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યે લગભગ 3000 બોમ્બ ફેંક્યા હતા, પણ આ મંદિરને ખરોચ આવી નહોતી. એટલું જ નહિ, મંદિર પરિસરમાં જ 450 બોમ્બ ફૂટ્યા હતા. હવે તેને મંદિર પરિસરમાં એક સંગ્રહાલયમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવ્યા છે. આ સાથે યુદ્ધ બાદ મંદિરની સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ લઈ અહીં એક છાવણી બનાવી રાખી છે.

આ મંદિરમાં વિરાજમાન તનોટ માતાને આવડ માતાના નામથી પણ ઓળખવામાં આવે છે, જે હિંગળાજ માતાનું એક સ્વરૂપ છે. આ હિંગળાજ માતાનું શક્તિપીઠ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત છે. દર વર્ષે અશ્વિન અને ચૈત્ર નવરાત્રમાં વિશાળ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

Similar News