દિવાળીના તહેવારમાં પૂજા વિધિનું મહત્વ

Update: 2016-10-26 09:59 GMT

દિવાળીના તહેવાર પર ધનતેરસ થી ભાઇબીજ સુધી ઘરમાં પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે કયા દિવસે કઇ પૂજા કરવી અને કઇ રીતે કરવી તે જાણવુ અગત્યનું બની જાય છે.

જાણો ધન તેરસના દિવસે શું કરવું ?

ધનતેરસના દિવસે સવારે સ્નાન આદિ નિત્યાક્રમથી પરવારીને આસન ગ્રહણ કરીને ઇષ્ટદેવની જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુએ તેલનો દીવો કરીને પૂજા કરવી.

આ દિવસે મહાકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મીનો મંત્રજાપ, મૃત્યુંજયના જપ, હનુમાન ચાલીસાના પાઠ, ગણપતિની સ્તુતિ, ઠાકોરજીની સ્તુતિ, જય મંગલાના પાઠ, નવકાર મંત્ર અને પ્રાર્થના કરવામાં આવે છે. જેનાથી આરોગ્ય, આયુષ્ય, સંપત્તિ અને સૌભાગ્ય સુખમાં વધારો થાય છે.

કાળી ચૌદશે કેવી રીતે પૂજા કરવી ?

કાળી ચૌદશના દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ બે ઘીના અને બે તેલના દિવા કરી થાળીમાં કંકુના બે સાથિયા કરી તેની પૂજા કરવી. તદ ઉપરાંત બીજો ઘીનો દીવો કરીને શ્રીફળ વધેરવુ અને શ્રીફળના પાણીનો આખા ઘરમાં છંટકાવ કરવો. તે દિવસે વડાનું નૈવેદ્ય પણ કરી શકાય.

દિવાળીના દિવસે કરવામાં આવતી પૂજા

આ દિવસે સાંજે ત્રણ ઘીના અને ત્રણ તેલના દીવા કરવા. તેમજ ત્રણ કંકુના સાથિયા કરીને પૂજા કરવી તેમજ આરતી કરીને શેરડી અથવા ગોળનું નૈવેદ્ય કરવુ. દિવાળીના દિવસે મહાકાળી-મહાલક્ષ્મી-મહાસરસ્વતીના મંત્રજાપ અને પૂજા કરવા.

નવા વર્ષની પૂજા

નવા વર્ષના દિવસે સવારે ચાર ઘીના દીવા અને ચાર તેલના દીવા કરવા. તેમજ ચાર કંકુના સાથિયા કરવા. ત્યારબાદ મંત્રજાપ કરીને લાપસી-કંસારનું નૈવેદ્ય કરીને આરતી કરવી.

ભાઇ બીજની પૂજા

ભાઇબીજના દિવસે પાંચ ઘીના અને પાંચ તેલના દીવા અને પાંચ સાથિયા કરવા. આ દિવસે મંત્રજાપ કરીને ફળફળાદિ કે સૂકામેવાનો પ્રસાદ કરવો.

Similar News