પેટ્રોલના ભાવમાં છેલ્લા દસ દિવસનો સૌથી મોટો ૨૧ પૈસાનો ઘટાડો

Update: 2018-06-09 07:30 GMT

  • ડીઝલ ૧૫ પૈસા સસ્તું
  • સળંગ ૧૦મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો
  • દિલ્હીમાં દસ દિવસમાં પેટ્રોલ ૧ રૂપિયા અને ડીઝલ ૮૨ પૈસા સસ્તું થયું : - છેલ્લા દસ દિવસમાં ડીઝલના ભાવમાં નવમી વખત ઘટાડો થયો

પેટ્રોલના ભાવમાં આજે સળંગ દસમા દિવસે ઘટાડો નોંધાતા પ્રજાને કંઇક અંશે રાહત મળી છે. આજે પેટ્રોલના ભાવમાં છેલ્લા દસ દિવસનો સૌથી મોટો ૨૧ પૈસાનો ઘટાડો થયો છે.

આજે ડીઝલના ભાવમાં પણ ૧૫ પૈસાનો ઘટાડો થયો છે. છેલ્લા દસ દિવસમાં ડીઝલના ભાવમાં નવમી વખત ઘટાડો થયો છે. સળંગ ૧૫ દિવસ ભાવ વધ્યા પછી છેલ્લા દસ દિવસથી થઇ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી)એ જારી કરેલા નિવેદન અનુસાર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૨૧ પૈસા ઘટીને ૭૭.૪૨ રૂપિયા થયો છે.

જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ૧૫ પૈસા ઘટીને ૬૮.૫૮ રૂપિયા થઇ ગયો છે. જો કે પેટ્રોલના ભાવમાં સળંગ દિવસ ઘટાડો થયો હોવા છતાં, દિલ્હીમાં આ દસ દિવસ દરમિયાન પેટ્રોલ માત્ર એક રૂપિયા અને ડીઝલ માત્ર ૮૨ પૈસા સસ્તું થયું છે. બે દિવસ પહેલા જ ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવને સામાન્ય માનવીની પહોંચની બહાર જવા દેવામાં આવશે નહીં અને આ માટે સરકાર લાંબા ગાળાનો ઉકેલ શોધી રહી છે.

વૈશ્વિક સ્તરે જોવા મળેલી રાજકીય અસ્થિરતાના કારણે ગયા મહિનામાં સળંગ પંદર દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટનું પ્રમાણ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. તમામ મેટ્રો શહેરોની સરખામણીમાં દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું છે કારણકે ત્યાં વેટનું પ્રમાણ અન્યની સરખામણીમાં ઓછું છે.

Tags:    

Similar News