પ્રખ્યાત ભજનીક વિનોદ અગ્રવાલનું યુપીના મથુરામાં નિધન

Update: 2018-11-06 05:01 GMT

'મેરા આપકી કૃપા સે કામ હો રહા હૈ' જેવા ભજન ગાનાર પ્રખ્યાત ગાયક વિનોદ અગ્રવાલ હવે આ દુનિયામાં નથી રહ્યા. મંગળવારે સવારે વિનોદ અગ્રવાલે યુપીના મથુરામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને છાતીમાં દુખાવો થયા બાદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે ચાર વાગે તેમનું નિધન થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે વિનોદ અગ્રવાલનું નિધન મલ્ટિપલ ઓર્ગન ફેલના કારણે થયું છે.

વૃંદાવનમાં પોતાના પરિવાર સાથે રહેતા અગ્રવાલ ૬૩ વર્ષના હતા. રવિવારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેથી પરિવારજનોએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં બે દિવસ સુધી તેમની સારવાર થઇ, પરંતુ તેનો કોઈ લાભ ન થયો. ધીમે-ધીમે તેમના તમામ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું અને મંગળવારે સવારે ચાર વાગે ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

વિદેશમાં પણ લોકપ્રિય હતા તેમના ભજનો

વિનોદ અગ્રવાલનો જન્મ દિલ્હીમાં ૬ જૂન,૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૬૨માં તેમના માતાપિતા મુંબઈ આવી ગયા હતા. વિનોદે ૧૨ વર્ષની ઉંમરથી ભજન ગાવાનું શરૂ કર્યું હતું. તેમના ભજનો માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય હતા. તેઓ રાધા અને કૃષ્ણ પર કેન્દ્રિત ભજનો ગાતા હતા. તેમણે દેશ અને વિદેશમાં ૧૫૦૦થી વધુ લાઇવ પરફોર્મન્સ પણ આપ્યા છે. તેમના કૃષ્ણ ભજન સિંગાપોર, ઇટલી, બ્રિટન, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ, જર્મની,કેનેડા, આયર્લેન્ડ અને દુબઈ જેવા દેશોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવતા હતા.

Similar News