રાજકોટ : બોયફ્રેન્ડની નાણાંભીંસ દુર કરવા યુવતીએ કર્યું ના કરવાનું કામ

Update: 2018-07-07 06:47 GMT

લૂંટ થયાનું પ્રસ્થાપિત કરવા માટે કિંજલે જાતે બ્લેડ વડે કાપા માર્યા

રાજકોટ સોનીબજારમાં આંગડીયા પેઢીમાંથી ૫.૫૦ લાખની રોકડ લઈને નીકળેલી કિંજલ દિપકભાઈ મણીયારે પોતાના પર બાઈક પર આવેલા બે શખસોએ હૂમલો કરી રોકડ લૂંટી લીધાની ઘટના જણાવી હતી. જેમાં સમગ્ર તરકટ એકદમ સાચુ લાગે એ રીતે પોલીસ અને પરિવાર બંનેને ઉંધા ચશ્મા પહેરાવવા માટે ભેજાબાજ કિંજલે પોતાની જાતે જ હાથ પર બ્લેડના કાપા મારીને સ્ટોરી ઘડી હતી.

બોયફ્રેન્ડ હાર્દિક વાળાને નાણાંકીય ભીંસ હોવાથી મદદરૂપ થવા માટે બંનેએ આખો ગેમ પ્લાન બનાવ્યો હતો એ મુજબ હાર્દિક પોતે જ આવીને આંગડીયાની રકમ લઈને બાઈક પર નાસી છુટયો હતો. લૂંટ થયાનું પ્રસ્થાપિત કરવા માટે કિંજલે જાતે બ્લેડ વડે કાપા માર્યા હતા. ઘટનાના પ્રારંભે તો કિંજલે પોતે લૂંટ થયાનું જ રટણ મક્કમપણે ચાલુ જ રાખ્યું હતું. પોલીસને શંકા પડી હોવાથી તેના પિતાને સમજાવવા કહ્યું હતુ.

કિંજલ સમક્ષ પિતા દિપકભાઈએ સમજાવી, આજીજી કરી પરંતુ કિંજલ ટસની મસ થઈ ન હતી અને લૂંટ થયાનું જ રટણ કર્યુ રાખ્યું હતું. અંતે ક્રાઈમબ્રાન્ચે લાલ આંખ કરી પોલીસની ભાષામાં પુછતાંછ કરતાં ભાંગી પડી અને લૂંટની ઘટનાનો છ કલાક બાદ પર્દાફાશ થયો હતો.

  • સાથે રહેલા ભાઈને ચાવી બનાવવા મોકલી બોયફ્રેન્ડને બોલાવી લીધો

આંગડીયાની રકમ લેવા કિંજલ અને તેનો ભાઈ ધવલ બંને એક્ટીવા લઈને ગયા હતા. નાણાં લઈને આંગડીયા પેઢીમાંથી નીકળી કિંજલે એક્ટીવાની ચાવી ખોવાઈ ગઈ હોવાનો ડોળ કરી સાથે રહેલા ભાઈ ધવલને ચાવી લેવા મોકલ્યો હતો. એ આવે એટલીવારમાં બોયફ્રેન્ડ બગસરાના હામપર ગામના હાર્દિકને બોલાવી રોકડ આપી દીધી હતી અને જાતે જ હાથ પર બ્લેડના કાપા મુકી સ્ટોરી ઘડી કાઢી હતી. હાર્દિક પાસે પોતાનું બાઈક પણ ન હતું એ બાઈક પણ મિત્રનું માગીને આવ્યો હતો.

  • સીસીટીવી વધુ એક વખત પોલીસ માટે આર્શીવાદરૂપ

ક્રાઈમબ્રાન્ચ, એ ડિવીઝન પોલીસ દ્વારા લૂંટની વર્ણવેલી સ્ટોરીના પુરા રૂટના સીસી ટીવી ચેક કરાયા હતા. નાણાં લઈને બહાર નીકળ્યા બાદ યુવતી કોઈને શોધતી હોય તેમ આમતેમ નજર કરી ચાલતી પકડી, પાછળ કોઈ આવે છે કે નહીં તે રીતે વળીને પણ નજર કરતી સીસી ટીવીમાં દેખાતી હતી. બજારમાં હાજર કોઈ વ્યક્તિઓ કે દુકાનદારો પણ આવી કોઈ ચહલપહલ કે ઘટના ઘટયાની જાણકારી ન હોવાનું કથન કર્યું હતું. સીસીટીવીમાં જે બાઈક પોલીસને શંકાસ્પદ દેખાયું તે નંબર પરથી બાઈક માલિકને શોધ્યો જેની પુછતાંછમાં બાઈક તેનો મિત્ર હાર્દિક લઈ ગયાનું કહ્યું હતું. ક્રાઈમબ્રાન્ચ તથા એ ડિવીઝને જહેમત ઉઠાવી મુળ સુધીપહોંચી લૂંટ ડિટેક્ટ કરી હતી.

Tags:    

Similar News