શાળાના બાળકો ડાન્સ કરી રહ્યા હતા ત્યારે થયો પથ્થરમારો !

Update: 2016-08-25 15:10 GMT

સુરતના પુણા વિસ્તારમાં એક સ્કુલમાં જન્માષ્ટમી નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન આસપાસના રહિશો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ શહેરના પુણા વિસ્તારમાં આવેલી સહજાનંદ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્કુલના 150 બાળકોએ હાજરી આપી હતી. સ્કુલના બાળકો ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં આવેલી સોસાયટીના રહીશોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે 150 બાળકો અને 20 જેટલા શિક્ષકોને એક રૂમમાં લઇ જવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ શાળાના સંચાલકો અને બાજુની સોસાયટીના રહિશોને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. પથ્થમારો કરવા બદલ પોલીસે સોસાયટીના 40 જેટલા લોકોની અટકાયત કરી હતી. શાળાના ગેટના ચાલી રહેલા કંસ્ટ્રક્શનના વિરોધમાં સોસાયટીના રહિશોએ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Similar News