સુરતઃ સરકારી ઘઉંનો જથ્થો વેચી મારવાના પ્રકરણમાં ગોડાઉનના મેનેજરની થઈ ધરપકડ

Update: 2018-11-23 09:59 GMT

માત્ર 3 રૂપિયા વધારે કમાવવાની લાલચમાં 50 કિલોના 45 કટ્ટા સરકારી ઘંઉ ગોડાઉન મેનેજરે વેચી દીધા હતા

સુરતનાં વરાછારોડ વિસ્તારમાં વૈશાલી ચાર રસ્તા પાસેથી ટ્રાફિક પોલીસે ગેરકાયદેર રીતે ઘઉંનો જથ્થો લઇ જતા ટેમ્પોને પકડી પાડ્યો હતો. જેમાંથી સરકારી ઘંઉનો જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો અને સરકારી ઘઉં મળીને કુલ રૂપિયા 4.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ઝડપાયેલી એક વ્યક્તિએ કરેલી કબૂલાતમાં ગોડાઉન મેનેજરની પણ સંડોવણી સામે આવતાં આજરોજ પોલીસે ગોડાઉન મેનેજરની પણ ધરપકડ કરી હતી.

આ અનાજનો જથ્થો ખુદ ગોડાઉનના મેનેજરે જ વેચી માર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે વરાછા ગીતાંજલી પાસે આવેલા નવાગામ પુરવઠાના ગોડાઉનના મેનેજર ભુપેન્દ્ર પરમારે આ અનાજનો જથ્થો આપ્યો હતો. ગરીબ લોકોને કિલો દિઠ રૂ.2માં આપવા માટે સરકારે મોકલાવેલું આ અનાજ રૂ.5ના ભાવે વેચવામાં આવ્યું હતું.

ટ્રાફિક પોલીસે ટેમ્પો રોકતા ડ્રાઇવર અને અન્ય શખ્સ નાસી છુટ્યા હતા. જ્યારે પોલીસે અન્ય વ્યક્તિ મનિષ અમૃત અજમેરવાલા (રહે ભેસ્તાન વડોદગામ)ની અટક કરી પૂછપરછ કરી હતી. પોલીસે તપાસ કરતા ટેમ્પોમાંથી 50 કિલોની 45 ઘઉંના કટા મળી આવ્યા હતા. પૂછપરછમાં મનિષે આ જથ્થો વરાછા ગીતાંજલી પાસે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ટેમ્પો અને અનાજ મળીને કુલ રૂ.4,22,650નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પુરવઠા વિભાગના ગોડાઉનના મેનેજર ભુપેન્દ્ર પરમારનો હાથ હોવાનું સામે આવ્યું હતું. જેથી વરાછા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Tags:    

Similar News