/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-121.jpg)
અમરેલી જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો થયો છે. સારા વરસાદને લઈ ખેડૂતો પણ ખુશ છે. આ વર્ષે અગાઉ વાવણી થઈ ગઈ છે.વરસાદ ખેંચાય ત્યારે ખેડૂતોની પાણીની લઈને મુશ્કેલીઓ વધતી હોય છે. ત્યારે જિલ્લાના એક ખેડૂતે કૂવો રિચાર્જ કરીને પાણીનો વિકલ્પ શોધી કાઢ્યો છે.
અમરેલીના બગસરા તાલુકાના જેઠીયાવદર ગામના એક ખેડૂતે વરાસાદના પાણીને કઈ રીતે ઉપયોગમાં લેવું તેનો વિકલ્પ પોતાની કોઠાસૂઝથી શોધી કાઢ્યો છે. દર ચોમાસામાં જેઠીયાવદર ગામના ભીખાભાઈના ખેતરો વરસાદના પાણીથી ભરાઈ જતા અને પોતાના પાકને મોટું નુકસાન થતું. પરંતુ ભીખાભાઈએ પોતાની કોઠાસૂઝથી વિચાર કરીને પોતાના ખેતર આસપાસ જે વરસાદી પાણી ભરાતા હતા તે જગ્યાએ જેસીબીથી ખોદકામ કરી નહેર જેવું બનાવી દીધું. ત્યારબાદ 15 થી 20 ફૂટ એક મોટો પાઇપ કૂવામાં નાખ્યો આથી ખેતર બહાર વરસાદના પાણીનો જે ભરાવો થાય છે તે પાણી સિધુ કૂવામાં આવે. ભીખાભાઈનો કુવો 700 ફૂટથી વધારે ઊંડો છે. જે વરસાદ પહેલા ખાલીખમ હતો. વરસાદનું પાણી કૂવામાં જતા હાલ કૂવામાં 150 ફૂટ જેટલું પાણી ભરેલું છે. આમ ભીખાભાઈની મહેનત રંગ લાવી અને તેમનો કૂવો પણ રિચાર્જ થઈ ગયો.
કૂવો રિચાર્જ થતાંજ ભીખાભાઈના ખેતરની આસપાસ આવેલા ત્રણ કૂવામાં પણ પાણી આવવા લાગ્યું છે. આવનારા દિવસોમાં આસપાસના ખેડૂતો પણ કૂવો રિચાર્જ કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં વરસાદી પાણી વડે કૂવો રિચાર્જ થતા કપાસ અને મગફળીના પાકને પણ પિયત માટે પાણી મળી રહ્યું છે. કૂવો રિચાર્જ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
“જળ એ જ જીવન છે” આ સૂત્રને અમરેલી જિલ્લાના જેઠીયાવદર ગામના ખેડૂતે સાર્થક કર્યું છે. વરસાદનું પાણી આસપાસના વિસ્તારોમાં વહી જતું હતું. કોઠાસૂઝ ધરાવતા ખેડૂતે પોતાનો કૂવો વરસાદના પાણી વડે રિચાર્જ કરતા આસપાસના ત્રણ ખેતરોના કૂવામાં પણ પાણી આવતા ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો છે. આવનારા દિવસોમા પણ પાણીની સમસ્યા નહિવત રહે તેવું ખેડૂત જણાવી રહ્યા છે.