Connect Gujarat
ગુજરાત

સંસ્કૃતભારતીના ઉપક્રમે ઓનલાઈન કવયિત્રી સંમેલન યોજાયું , ખ્યાતનામ કવયિત્રીઓએ સ્વરચિત કાવ્ય રચનાઓની પ્રસ્તુતિ કરી

સંસ્કૃતભારતીના ઉપક્રમે ઓનલાઈન કવયિત્રી સંમેલન યોજાયું , ખ્યાતનામ કવયિત્રીઓએ સ્વરચિત કાવ્ય રચનાઓની પ્રસ્તુતિ કરી
X

સંસ્કૃતભારતીના ઉપક્રમે ' આષાઢસ્ય પ્રથમ દિવસે ' ઓનલાઈન કવયિત્રીસંમેલનમાં કવિ કુલગુરુ કાલિદાસના સર્જનો મેઘદૂત, અભિજ્ઞાનશાકુંતલ, ઋતુસંહાર અને કુમારસંભવના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતની ખ્યાતનામ કવયિત્રીઓએ સ્વરચિત કાવ્યરચનાઓની પ્રસ્તુતિ કરી.

એ જ શકુંતલા પાડતી પ્રકૃતિનાં પગલાં,

આજ યાદોનાં ઉમટ્યાં તોફાન,

સખી, વરસાદી વાયરામાં ભૂલ્યા'તા ભાન.

એ સ્મરણ પણ ભીંજવે આજે સતત,

સંસ્કૃતભારતી દ્વારા યોજાયું ઓનલાઈન કવયિત્રીસંમેલન


અમદાવાદથી ડૉ. ઉષા ઉપાધ્યાય, ગોપાલી બૂચ,પારુલ બારોટ, ભાર્ગવી પંડ્યા,અનુરાધા દેરાસરી; ખંભાળિયાથી ડૉ. રંજન જોશી, સુરતથી યામિની વ્યાસ, ડૉ. રિતા ત્રિવેદી અને વડોદરાથી ડૉ. નલિની પુરોહિત તથા વંદના શાંતુઈંદુએ કાલિદાસ વર્ણિત કથાપ્રસંગોને આધુનિક વાતાવરણ સાથે સમન્વયાત્મક દૃષ્ટિ સાધી મૌલિક પ્રસ્તુતિઓ કરી.

કવયિત્રીઓના વૈશિષ્ટ્યયુક્ત પરિચય સાથે એમની રચનાઓને કાલિદાસની સૂકિતઓ સાથે સાંકળી લઈ ડૉ. શ્રુતિ ત્રિવેદીએ કાર્યક્રમનું સંવહન કર્યું; જેમાં સંસ્કૃતભારતીના અખિલભારતીય પ્રચારપ્રમુખ શ્રી શિરીષ ભેડસગાંવકરની ઉપસ્થિતિ પ્રેરણાદાયી રહી.


ડૉ. મયુરી ભાટિયાએ સંસ્કૃત ભાષામાં સૌને અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા.


કવિ કાલિદાસે અદભૂત રચી પંચ કૃતિઓ,
મહાકાવ્યો લેખ્યાં, રતિ,સતી અને શિવ વરણી,
અભિજ્ઞાને મૂક્યાં, પ્રિય પ્રણયનાં પાત્ર અદકાં,
ઋતુસંહારે તો અમરત સમાં બુંદ ભરીયાં.
શિખરિણી સોનેટ - પારુલ બારોટ

દુર્વાસાના શ્રાપની ખીંટીએ
ટિંગાઈ રહેલી પત્ની,
યાદ આવી દુષ્યંતને, વીંટી જોઇને.
વંદના શાંતુઈંદુ

અભિજ્ઞાન કર અંગુલિકાનું,
એ ગાંધર્વવિવાહનું,
સાક્ષી હતી પ્રકૃતિ જ્યાં,
એ આપણ પ્રેમકથાનું.
ડૉ. રંજન જોશી

કાલિદાસે લખ્યું જ હતું ને કે
ઋષિ મહર્ષિ પિતાને પુત્રી વિદાયનું
આટલું દુઃખ છે તો
માનવી પિતાનું શું ગજું ?
યામિની વ્યાસ

આંખોમાં ફૂટ્યા'તા રાત તે રંગ
પછી ઈચ્છાઓ મરડીને બેઠો અનંગ,
ભરતી થઈ આભેથી ઉતર્યો અષાઢ
એનો મોરપિંચ્છી આવકારો યાદ છે.
ગોપાલી બૂચ

વીજળી જેવું ઝબકી જાતી,
નભને દેખી ઊંચી થાતી
ક્યાંય હું ન એમ સમાતી
અંધારામાં મલકાઉં હું
સાજણ સાજણ બોલવું હું.
હર્ષિદા ત્રિવેદી

વસંત મ્હોરી રહી છે મારામાં એવી
શબ્દ શબ્દ ફૂટે છે ગઝલ કેવી,
રસિક ભાવુક બનીને એવા
મન ભરીને ચમક દઈ દ્યો.
અનુરાધા દેરાસરી

એ સ્મરણ પણ ભીંજવે આજે સતત,
આંખમાં અવસાદ જેવું છે કશુંક,
નામ ગૂંજે આપણા સંબંધનું
ક્યાંક ગેબી નાદ જેવું છે કશુંક.
ભાર્ગવી પંડ્યા

એ જ શકુન્તલા પાડતી પ્રકૃતિનાં પગલાં
કાલિદાસને હજારો વર્ષ પછી પણ જીવંત રાખતી.
ડૉ. નલિની પુરોહિત

સુંદરી, અણસાર તો દ્યો ને જરી, કે
કયા પહોરને સરનામે
આંખોમાં તારી માલિની ખળખળે
ને કોઇ વેતસમંડપની વેલીઓ સઘળી , તારી લાંમ્બી લટામાં હિલ્લોળે હચમચે.
ડો. રિતા ત્રિવેદી

Next Story