અંકલેશ્વરમાં માણેક જવેલર્સના માલીકે કટલરીના વેપારીને ઉંચા વ્યાજે રૂ 1.10 લાખ આપી વેપારીએ વ્યાજ સાથે પૈસા ચૂકવી દેતા પત્નીના સોનાના દાગીના પરત માંગવા જતા વ્યાજખોરે પોતાની દુકાનમાં વેપારી સાથે ઝપાઝપી કરી કાઢી મૂકી ઘરેણાં ન આપતા એ ડિવિઝન પોલીસે માણેક જવેલર્સ શોપના માલીકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી નજીક રહેતા રતનલાલ ખંડાલા કટલરીનો વ્યવસાય કરે છે.તેઓને અંકલેશ્વર શહેરના મોચીવાડમાં રહેતા અને માણેક જવેલર્સ શોપ ધરાવતા પંકજ સોનીએ રતનલાલની આર્થિક પરિસ્થિતિનો લાભ લઇ મહિનાના ત્રણ ટકાના ઉંચા વ્યાજે રૂ 1 લાખ 10 હજાર આપ્યા હતા અને વેપારીની પત્નીના સોનાના ઘરેણાં ગીરવે મુકાવ્યા હતા.જો કે રતનલાલે વ્યાજ સાથે પૈસા ચૂકવી પત્નીના ઘરેણાં માંગવા જતા પંકજ સોનીએ તેમની સાથે ઝપાઝપી કરી શોપમાંથી કાઢી મુકયા હતાં અને રતનલાલે ગીરવે મુકેલા 6 તોલાના સોનાના ઘરેણાં તેમની જાણ બહાર વેચી દઈ આજદિન સુધી નહિ આપતા રતનલાલે આ અંગે પંકજ સોની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર પંકજ સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
