/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/maxresdefault-3.jpg)
વાલિયા ચોકડી પાસે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટની મોનિટરિંગ ટીમ ઉપર થયો હતો હુમલો
ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટની મોનિટરિંગ ટીમ ગત રોજ રાત્રિનાં સમયે સુરત તરફથી વાલીયા તરફ આવી રહી હતી. પ્રશાંત દોષી, ઈમરાન પઠાણ અને ડ્રાયવર કમલેશ ગોહિલ જેઓ ગાડી નંબર -Gj 18 G 9015માં સેમ્પલ લઈને આવી રહ્યા હતા. રાત્રિનાં આશરે 12.30 કલાકનાં અરસામાં તેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં સામેથી આવી રહેલી એક રિક્ષા સાથે થોડી ટક્કર થતાં રોંગ સાઈડમાં આવી રહેલી રિક્ષામાં સવાર ચારથી પાંચ ઈસમોએ ગેમીની સૂમો કારને અટકાવી હતી.
રિક્ષામાંથી ઉતરેલા ઈસમોએ ગેમીનાં કર્મચારીઓ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ ગાડીનાં કાચ તોડી નુકશાન પહોંચાડ્યું હતું. ગાડીમાં સવાર પ્રશાંત દોષી અને ઈમરાન પઠાણને ઈજા થતાં જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અપાયી હતી.
ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટનાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જયેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ ઉપર રાત્રિનાં સમયે વાલિયા ચોકડી ખાતે કેટલાંક તત્વોએ હુમલો કર્યો હતો. ગાડીમાં પણ તોડ ફોડ કરી હતી. જે હુમલામાં અમારા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર આપી બાદમાં રજા આપી દેવામાં આવી હતી. જે સંદર્ભે અમે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અંકલેશ્વરનાં ડીવાયએસપી એલ.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટની ટીમનાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતાં કર્મચારીઓ સેમ્પલ લઈને સુરત તરફથી આવી રહ્યા હતા. તેવામાં વાલિયા ચોકડી પાસે રાત્રે રોંગ સાઈડમાં આવેલાં રિક્ષામાં સવાર લોકોએ તેમની ઉપર હુમલો કર્યાની ફરિયાદ મળી છે. જેની આગળની તપાસ હાલમાં ચાલુ છે.