અંકલેશ્વર હાસોટ પંથકના ખેડૂતોએ આજરોજ અખાત્રીજના પર્વ નિમિત્તે ભૂમિ પૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામના કરી હતી.

અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું.ખેતરમાં દીવો કર્યા બાદ શ્રી ફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું. આ સાથે જ બળદ,હળ સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યુ હતું. અખાત્રીજના આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે.બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ.આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન ‘અક્ષય પત્ર’ અર્પણ કર્યું હતું. અક્ષય પત્ર ક્યારેય ખાલી નથી હોતું. તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે.