મિઝોરમના કોલાસિબ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેશની રક્ષા માટે સમર્પિત આસામ રેજિમેન્ટના 29 વર્ષીય જવાનની રસ્તા પર થયેલા વિવાદ બાદ યુવકોના એક જૂથ દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ રજા પર ઘરે જઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

મૃતક જવાનની ઓળખ ઝકરિયા લાલહ્રિયાત્લુઆંગા તરીકે થઈ છે. તેઓ આસામ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા, અને હાલમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તૈનાત હતા. આ ઘટના 20 સપ્ટેમ્બરે બની હતી. ઝકરિયા લેંગપુઈ એરપોર્ટથી મિઝોરમના ન્યૂ બુઈલુમ ગામ સ્થિત તેમના ઘરે એક મિત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે 306 પર આ હુમલો થયો હતો.

રસ્તાની ખરાબ સ્થિતિ અને સામેથી આવતા ટ્રક દ્વારા ખોટી બાજુએ (wrong side) વાહન ચલાવવાના કારણે સામાન્ય બોલાચાલી થઈ હતી, જ્યારે ઝકરિયાના મિત્રએ જે ટ્રક ચલાવી રહ્યા હતા, આ અંગે વાંધો ઉઠાવ્યો, ત્યારે પિકઅપ વાનમાં સવાર યુવકોના એક જૂથે તેમના પર હુમલો કર્યો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો કવાનપુઈ શહેરની હોકી ટીમ સાથે સંકળાયેલા હતા. તેઓ પિકનિક પરથી પરત ફરી રહ્યા હતા, અને કથિત રીતે નશાની હાલતમાં હતા. ઝકરિયા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેમની સાથે રહેલા અન્ય મિત્રો પણ ઘાયલ થયા હતા. ઘટના બાદ ફેલાયેલા જનઆક્રોશ વચ્ચે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને 2 સગીરો સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે.