અરવલ્લી : માઝૂમ અને મેશ્વો જળાશયો 90 ટકા ભરાયા, પાણીની નહિ પડે તંગી

અરવલ્લી જિલ્લામાં આવેલાં માઝૂમ, મેશ્વો અને વૈડી જળાશયમાં નવા નીર આવતાં હવે પાણીની તંગી નહી વર્તાઇ. ગત વર્ષની સરખામણીએ જળાશયોમાં પાણીનો સંગ્રહ વધારે જોવા મળી રહયો છે.
ગત ઉનાળાની સિઝનમાં અરવલ્લી જિલ્લાના જળાશયો તળિયા ઝાટક થયા હતાં.આ વર્ષે શ્રવણ અને ભાદરવા મહિનામાં થયેલા વરસાદથી જળાશયો હવે છલોછલ થવાની તૈયારીમાં છે. માઝૂમ અને મેશ્વો જળાશય નેવું ટકાની આસપાસ પહોંચ્યા છે. જ્યારે વૈડી જળાશય સો ટકા ભરાઇ ગયો છે. જ્યારે વાત્રક ડેમમાં પાણીનો જથ્થો પચાસ ટકા જેટલો થયો છે. માઝૂમ જળાશયમાં ગત વર્ષે આ સમયે પચાસ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. ત્યારે આ વર્ષે નેવું ટકાની આસપાસ થવા પામ્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી ખેડૂતોને શિયાળુ પાક સારો થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, માઝૂમ જળાશયથી મોડાસા તેમજ ધનસુરા તાલુકાના જયારે મેશ્વો જળાશયથી મોડાસા તેમજ ભિલોડા તાલુકાના ખેડૂતોને સીધો ફાયદો થશે.અને વાત્રક જળાશયથી પણ ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાની શક્યતાઓ છે.