ભરૂચના દહેજ બાયપાય રોડનું તંત્રનું જાહેરનામું
ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
જાહેરનામાના કારણે ટ્રાફિકજામની સમસ્યા હળવી બની
બહારથી આવતા વાહનચાલકો પરેશાન
કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અસર હવે માર્ગો પર દેખાઈ રહી છે. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન પસાર થઈ શકતા નથી.
જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહનચાલકોની હાલત કફોડી બની છે તેઓએ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને આ જાહેરનામનો ખ્યાલ ન હોવાના કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પરનો એન્ટ્રીના કારણે તેઓએ હાઇવે પર જ 10 થી 12 કલાક વિતાવવા પડે છે.