/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/29141220/maxresdefault-383.jpg)
ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો જાગૃત થયા છે. ગામના યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષા માટે બહાર ન જવું પડે તે હેતુથી ગામમાં જ લાયબ્રેરી શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં એક દાતા દ્વારા ત્રીજી લાયબ્રેરી શરૂ કરીને યુવાઓ માટે એક નવી રાહ ચિંધી છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારોના બાળકોને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે દૂર સુધી જવું પડતું હોય છે. પરંતુ યુવાઓના ભવિષ્યની ચિંતા કરીને માલપુર તાલુકાના એક દાતાએ એવો સંકલ્પ કર્યો છે કે, જેનાથી યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે મોડાસા, અમદાવાદ કે ગાંધીનજર સુધી જવું પડશે નહીં. સમાજ સેવક ગુલાબસિંહ ખાંટ તેમજ શંકર ખાંટ દ્વારા મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારના રાયાવાડા ગામે પંચાયતના જુના મકાનનો સદઉપયોગ કરીને લાયબ્રેરી તૈયાર કરવામાં આવી છે. જેનું ઉદ્ધાટન દાતાઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ ભેટ સ્વરૂપે દાતાઓ દ્વારા 500 જેટલા પુસ્તકો આપવામાં આવ્યા છે. જેમ જેમ યુવાઓની માંગ હશે તેમ તેમ આગળના સ્મયમાં પણ અનેક પુસ્તકો આપવાની તૈયારી દર્શાવી છે.
જોકે, સમાજના યુવાઓ સારો અભ્યાસ કરી સરકારી નોકરીમાં જોડાય તે માટે દાતાઓ તેઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. આગામી સમયમાં દર 5 ગામડાએ એક ગૃપ લાયબ્રેરી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ પ્રસંગે માલપુર બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જમાનો બદલાયો છે, તો સ્પર્ધાઓ પણ વધી છે. આજના સમયમાં પુસ્તક વાંચન ખૂબ જ જરૂરી બન્યું છે, ત્યારે યુવાઓ વધુને વધુ પુસ્તક વાંચન કરે તેવા આશય સાથે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જોકે દાતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા લાયબ્રેરીના ખાસ અભિયાનને પણ ગ્રામજનોએ આવકાર્યું હતું.