Connect Gujarat
દુનિયા

એટલાન્ટાઃ 4 ડિગ્રી ઠંડી વચ્ચે ગોકુલધામ હવેલીમાં ઉજવાયો અન્નકૂટ મહોત્સવ

એટલાન્ટાઃ 4 ડિગ્રી ઠંડી વચ્ચે ગોકુલધામ હવેલીમાં ઉજવાયો અન્નકૂટ મહોત્સવ
X

ગોકુલધામના પ્રાંગણમાં આયોજિત ગોવર્ધન પૂજા વેળા ફૂંકાયેલા બર્ફિલા પવનો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ડગમગાવી શક્યા નહીં.

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. એક તરફ સુસવાટા મારતા ઠંડા પવનો સાથે 4 ડિગ્રી કડકડતી ઠંડી હોવા છતાં આ અન્નકૂટ મહોત્સવમાં 3500 જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 8 વાગે ભવ્ય આતશબાજી સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો બાદ ગોવર્ધનનાથજી અને કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="72320,72321,72322"]

ગોકુલધામ હવેલીના પ્રાંગણમાં ધવલકુમાર શાસ્ત્રી દ્વારા ગોવર્ધનપૂજાની વિધિ યોજાઇ હતી. જેનો મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી. ગોકુલધામના પ્રાંગણમાં આયોજિત ગોવર્ધન પૂજા વેળા કડકડતી ઠંડી અને બર્ફિલા પવનો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ડગમગાવી શક્યા નહોતા.

ત્યાર બાદ બપોરે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અવનવી વાનગીઓ અને વિવિધ પકવાન-ભોજન સાથે આયોજિત અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અન્નકૂટ દરિમયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવ સાથે આયોજિત નિ:શુલ્ક મહાપ્રસાદનો 3500 થી વધુ શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓએ ગોકુલધામ હવેલીના સ્વયંસેવક ભાઇઓ-બહેનો દ્વારા આ મહોત્સવ વેળા કરાયેલી કાબિલેદાદ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, પરિમલ પટેલ, નિકશન પટેલ, સમીર શાહ, અલકેશ શાહ, જીગર શાહ, ગિરીશ શાહ તેમજ મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા અને સોહિનીબહેન પટેલે જહેમત ઉઠાવી હતી.

Next Story