Connect Gujarat
ગુજરાત

ભારતીય બેંકોને લોન છેતરપિંડીના કારણે ત્રણ વર્ષમાં રૂ. ૭૦ હજાર કરોડનો ફટકો !

ભારતીય બેંકોને લોન છેતરપિંડીના કારણે ત્રણ વર્ષમાં રૂ. ૭૦ હજાર કરોડનો ફટકો !
X

રાજ્યસભામાં રાજ્ય કક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ આંકડા રજૂ કર્યા

દેશભરની બેંકોને કૌભાંડોના કારણે છેલ્લાં ત્રણ જ વર્ષમાં રૂ. ૭૦હજાર કરોડની જંગી ખોટ થઈ છે. બેંકિંગ કૌભાંડો મુદ્દે રાજ્ય સભામાં માહિતી જાહેર કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ આંકડો માર્ચ ૨૦૧૮ સુધીનો છે. એ પછી પણ દેશની અનેક બેંકો નાના-મોટા લોન કૌભાંડોનો ભોગ બની છે, જેનો આ આંકડામાં સમાવેશ થતો નથી. રાજ્ય કક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ રાજ્ય સભામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા રજૂ કરતા કહ્યું હતું કે, શિડયુલ કોમર્શિયલ બેંકોને ફક્ત કૌભાંડોના કારણે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૬,૪૦૯ કરોડ, ૨૦૧૬-૧૭ માં રૂ. ૧૬,૬૫૨ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૩૬,૬૯૪ કરોડનું નુકસાન ભોગવવું પડયું છે.

આ તમામ કૌભાંડો લોન અને લેટર ઓફ અન્ડરટેકિંગ્સ લઈને કરાયેલી છેતરપિંડી સાથે સંકળાયેલા છે. જોકે, દેશભરની શિડયુલ કોમર્શિયલ બેંકોએ વિવિધ કંપનીઓને આપેલી ભંડોળનો આંકડો ૩૧મી માર્ચ, ૨૦૦૮માં ફક્ત રૂ. ૨૫.૦૩ લાખ કરોડ હતો, જ્યારે ૩૧મી માર્ચ, ૨૦૧૪ સુધીમાં આ આંકડો વધીને રૂ. ૬૮.૭૫ લાખ કરોડે પહોંચી ગયો હતો.

આ દરમિયાન શુક્લાએ આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, મોટા પ્રમાણમાં અપાતી લોન, વિલફૂલ ડિફોલ્ટરો, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદીના કારણે પણ બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સમાં વધારો થઈ રહ્યો છે. એનપીએ મુદ્દે જવાબ આપતા શુક્લાએ કહ્યું હતું કે, આરબીઆઈના આંકડા પ્રમાણે કુલ ૧૩૯ દેવાદાર રૂ. એક-એક હજાર કરોડની એનપીએ ધરાવે છે. બેંકિંગ કૌભાંડોમાં ૧૨ દેવાદાર સામે ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

જેમની પાસે બેંકો કુલ રૂ. ૧,૯૭,૭૬૯ કરોડનું લેણું ધરાવે છે. આ આંકડો ૩૧મી માર્ચ, ૨૦૧૭ સુધીનો છે. આ દરમિયાન બેંકોએ ૨૯ દેવાદારોને ચોક્કસ સમયમર્યાદા આપીને દેવું ચૂકવવાનું સૂચન કર્યું છે, જેમાં નિષ્ફળ ગયા પછી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ દેવાદારોનું વિવિધ બેંકોનું કુલ રૂ. ૧,૩૫,૮૪૬ કરોડનું દેવું ધરાવે છે.

Next Story