-
ભરૂચના જંબુસરનો બનાવ
-
કાવી બેઠક પર આપની જીત
-
ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ
-
તલવાર સાથે ધમકી આપી હોવાના આક્ષેપ
-
પોલીસ તપાસ શરૂ
ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી-2 બેઠક પર પરાજિત ભાજપના ઉમેદવારને તલવાર સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરાજિત ઉમેદવારે ગામમાં પાણી બંધ કરાવવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ વાયરલ થયા છે.
ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. કાવી-2 બેઠકના પરિણામ બાદ એક વિવાદાસ્પદ વીડિયો અને વોટ્સએપ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા ગરમાઈ છે.
ભાજપના ઉમેદવાર સકીલ અહેમદ મલેકના પરાજય બાદ તેમના નામ સાથે જોડાતો એક વીડિયો અને મેસેજ સામે આવ્યો છે જેમાં હાથમાં તલવાર સાથે પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપ્યાનો દાવો કરવામાં આવે છે કાવી-2 બેઠક પર આપના ઉમેદવાર સોહેલ વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકને પરાજયનો સામનો કરવો પડ્યો છે.આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે નિવેદન આપ્યું કે, ભાજપ દ્વારા મતદારો અને વિજેતા ઉમેદવારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરી છે.
બીજી તરફ, આ મુદ્દે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાવી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ થયેલા મેસેજ અને વીડિયોની સાચીતા તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
