ભરૂચ : અજાણ્યા વ્યકિતને નોકરીએ રાખતા પહેલાં ચેતજો, જુઓ વેપારી સાથે શું થયું

New Update
ભરૂચ : અજાણ્યા વ્યકિતને નોકરીએ રાખતા પહેલાં ચેતજો, જુઓ વેપારી સાથે શું થયું

જો તમે દુકાનમાં અજાણ્યા વ્યકિતને નોકરીએ રાખો છો તો તે કદાચ ચોર પણ હોય શકે છે. આવું જ કઇ ભરૂચમાં બન્યું છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર બુદ્ધદેવ માર્કેટમાં આવેલ રોનક ફેશન નામની દુકાનમાં નોકરે જ તેના સાગરિતો સાથે ધાપ મારી હતી.



ભરૂચ શહેરના બુધ્ધદેવ માર્કેટમાં આવેલી રોનક ફેશનમાં બે-ત્રણ દિવસ પહેલા એક નોકર રાખવામાં આવ્યો હતો. જે રાત્રીના સમયે દુકાનમાં જ ઉપર સુઈ રહેતો હતો. મૂળ રાજસ્થાનના રહેવાસી એવા નોકરે જ તેના સાગરીતોને રીક્ષા લઈ રાત્રીના સમયે બોલાવ્યા હતાં. નોકરે જ દુકાનમાંથી તેના સાગરિતોને કપડા સહિતનો સામાન કાઢી આપ્યો હતો. નોકર અને તેના સાગરિતો અંદાજે 1.50 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતના સામાનની ચોરી કરી રીકશામાં ફરાર થઇ ગયાં હતાં. ભાગતાં પહેલાં નોકરે જ દુકાનને તાળા મારી ચાવી પણ પોતાની સાથે લઈ ગયો હતો. સવારે દુકાનદાર વિજયસિંહ દુકાને પહોંચતાં તેમને કઇ અજુગતું બન્યું હોવાની શંકા ઉપજી હતી. દુકાનના તાળા તોડી તપાસ કરવામાં આવતાં અંદરથી કપડા ગાયબ જણાયાં હતાં. ચોરીની ઘટના દુકાનમાં રાખેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં દુકાનમાં રાખેલો નોકર જ ચોરી કરતાં દેખાઇ આવ્યો છે. હાલ તો પોલીસે ફરાર થઇ ગયેલા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories