/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/04171134/1-8.jpeg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયા પોલીસ મથક કાફલો જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અંગત બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, ઝઘડિયા જીઆઇડીસી નજીક આવેલ દધેડા ગામે એક વ્યક્તિ દુકાન ભાડેથી રાખી તેમાં કોઈપણ ડોક્ટરી ડિગ્રી વિના દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરી રહ્યો છે.
જોકે, પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેની પાસે દવાખાનું ચલાવવા માટે કોઈપણ પ્રકારની ડિગ્રી નહીં હોવાનું જણાવ્યુ હતું. જેથી તે બોગસ તબીબ હોવાનું જણાતાં ઝઘડીયા પોલીસે તેના દવાખાનામાંથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન તેમજ મેડિકલને લગતા સાધનો જપ્ત કરી બોગસ તબીબની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ભરૂચ જિલ્લામાંથી 14 જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા. જેમાંથી મોટી સંખ્યાના તબીબો પશ્ચિમ બંગાળના હતા, જ્યારે ઝઘડીયા તાલુકાના ઈન્દોર ગામેથી પણ એક બોગસ તબીબ ઝડપાયો હતો. જોકે, આવા બની બેઠેલા બોગસ તબીબો લોકોની જિંદગી સાથે ચેડાં કરે છે, ત્યારે આવા લોકો સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.