/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/Bharuch.jpg)
ભરૂચ જિલ્લાના ઝંઘાર ગામે ગૌચરની સરકારી જમીન ઉપર જ કબ્જો જમાવી સરપંચ દ્વારા જ માટી અને પાણી વેચી કૌભાંડ આચરાતું હોવાની બુમરાણ મચી જવા પામી છે.
ગ્રામજનોના જણાવ્યાનુસાર ઝંઘાર ગામે ગાયો તથા ઢોરા ઢાંખર તથા પશુઓને ચરાવા માટે અનામત રખાયેલી ગૌચરની સરકારી પડતર જમીન આવેલી છે.જેમાં ઝંઘાર ગામના સરપંચ મખદુમશા ગુલાબશા દિવાન દ્વારા પોતાની સત્તાનો રોફ ઝાડી ગેરકાયદેસર રીતે સામલોદ થી ઝંઘાર ગામના રસ્તા માટે માટી ખોદવાના બહાના હેઠળ પીળી માટી કાઢી તે આજુ બાજુના ગામોમાં તથા અન્ય ખનીજ ચોરોને પીળી માટી વેચવાનો ધંધો શરૂ કરેલો છે.
સરપંચ દ્વારા આ પીળી માટી જી.સી.બી. મશીન થી રાત દિવસ ડમ્ફર (મોટી ટ્રકો) મારફતે કાઢવામાં આવે છે અને તેનો ગેરકાયેસર વેપલો કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ગામના સરપંચ દ્વારા પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી સરકારની જમીનમાં પાસ પરમીટ વગર ગેર કાયદેસર ખોદકામ કરી રોડ બનાવવાના બહાના હેઠળ કાયદાને નેવે મુકીને પીળી માટીનું ગેરકાયદેસર વેચાણ પણ કરવામાં આવે છે.
સરપંચ દ્વારા ખોદકામ કરવા કે માટી,પાણી વેચાણ કરવા માટે સરકારની કોઈ પરવાનગી લેવામાં આવેલી નથી કે ના તો સરકારમાં કે પંચાયતમાં તેની કોઈ રોયલ્ટીની ૨કમ જમા કરાવવામાં આવી છે.જે બાબતે ગ્રામજનો વિરોધ ઉઠાવી સરપંચને રજૂઆત કરવા જતા તેઓ દ્વારા “ગામમાં ઉપર સુધી મારૂ સેટીંગ છે ઉપર સુધી ભરણ જાય છે” તેવા બણગા ફૂંકે છે.
બીજી તરફ આ સરપંચ દ્વારા આચરાયેલ ભ્રષ્ટાચારની વિગત,પુરાવા સાથે ખાણ ખનીજ અને ભુસ્તર વિભાગની કચેરીએ રજૂ કરી સરપંચ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગૌચર જમીન બચાવવા વિનંતિ કરવા રોજ-રોજ કચેરીએ જઇ ખાણ ખનીજ અધિકારીને સ્થળ મુલાકાત માટે વિનંતિ કરવા છતાં રોજ કોઇ ના કોઇ બહાના કાઢી કચેરીના ધરમ ધક્કા ખવડાવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર દ્વારા ગૌચર જમીન ફાળવાય છે તો બીજી તરફ ખાણ ખનીજ અધિકારી અને સરપંચના મેળાપીપણાથી આ જમીનની પીળી માટી અને પાણી વેચી અઢળક રૂપિયા રળી ભ્રષ્ટાચાર આચરાય તે કેટલો વ્યાજબી? સમગ્ર મામલે તપાસ હાથધરી ગૌચર જમીન બચાવાય અને જે તે કસુરવારોને યોગ્ય સજા કરાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ગૌચરની જમીનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પોલ ખોલવા તેમજ ગૌચર જમીન બચાવવા આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા જલદ આંદોલન કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.