/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-224.jpg)
દારૂના દૂષણે યુવા પેઢી અને કેટલાય પરિવારો દારૂના દૂષણમાં બરબાદ થઇ ચૂક્યા છે. દારૂનું દૂષણ ઉગતી પેઢી માટે એક ખતરાની ઘંટી સમાન સાબિત થઇ રહ્યું છે. ત્યારે એ દૂષણને ડામવા માટે દેશનો સુશિક્ષિત યુવા વર્ગ પણ કમર કસીને હવે જાગૃત થઇ ગયો છે. પાલેજના કિશનાડમાં એક દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેઇડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં ગતરાત્રીના ગામના યુવા સરપંચ કૃણાલ પટેલની આગેવાનીમાં ગામના યુવાનોએ ભેગા મળી ઘોડી ગામ જવાના માર્ગ ઉપર કથિત સરકારી જગ્યામાં ચાલતી એક મહિલા બુટલેગર શારદા ડાહ્યાભાઈ ચતુરભાઇ પાટણવાડીયાની દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેઇડ કરી હલ્લો બોલાવતા સમગ્ર પાલેજ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
કિશનાડ ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ થાય એ માટે વારંવાર રજુઆતો કરી હોવાનું પણ ગામના સરપંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. છેવટે ગ્રામજનોએ કંટાળીને ગતરાત્રીના જાતે દેશી દારૂની ભઠ્ઠી પર હલ્લો બોલાવી ભઠ્ઠી તોડી પાડી હતી. ગ્રામજનોએ જ્યારે હલ્લો બોલાવ્યો ત્યારે દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા બુટલેગર શારદા તથા તેની પુત્રી રેખા સાથે તુ-તુ મૈ-મૈના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જે સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલ તથા પોલીસ કાફલાએ સ્થળ પર દોડી આવી મહિલા બુટલેગર શારદા તથા તેની પુત્રી રેખાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલને ગામના સરપંચ સહિત ગ્રામજનોએ દારૂના દૂષણ સંદર્ભે ઉગ્ર રજુઆત કરતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું. કિશનાડ ગામમાં ચાલતા દારૂના દૂષણને સંપૂર્ણ બંધ કરાવવા ગામના સરપંચ સહિત ગ્રામજનો ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે એમ પણ જાણવા મળ્યું છે.