Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ જિલ્લામાં 30 ડેન્ગ્યુનાં પોઝીટીવ કેસ, શહેરી વિસ્તારનાં 13 કેસ નોંધાયા

ભરૂચઃ જિલ્લામાં 30 ડેન્ગ્યુનાં પોઝીટીવ કેસ, શહેરી વિસ્તારનાં 13 કેસ નોંધાયા
X

30 કેસ તો માત્ર સરકારી આંકડો છે પરંતુ શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોવાનું લોકો કહી રહ્યા છે.

ભરુચ શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને આ રોગચાળાનાં પગલે જ બે દિવસ પહેલાં નગર પાલિકાનાં વિરોધપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. ત્યારે શહેર અને જિલ્લામાં મળીને હાલમાં કુલ 30 જેટલાં ડેન્ગ્યુનાં પોઝીટીવ કેસો સામે આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં હાલમાં રોગચાળાનો વાવર ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ડેન્ગ્યુ જેવા રોગોએ ઉથલો મારતાં અત્યાર સુધીમાં 30 જેટલાં પોઝિટીવ કેસ જિલ્લામાં નોંધાયા છે. જે પૈકી ભરૂચ શહેરી વિસ્તારનાં 13 જેટલા કેસ સામે આવ્યા છે. આ આંકડો તો માત્ર સિવિલ હોસ્પિટલનો છે. પરંતુ હાલમાં ખાનગી દવાખાનાઓ પણ માંદગીનાં ખાટલાથી ઉભરાઈ રહ્યા છે. લોકો ડેન્ગ્યુનાં ભરડામાં આવી રહ્યા છે. અને રોગચાળો વકરી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.

ભરૂચનાં આરોગ્ય અદિકારી ડૉ. વી.એસ.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, હાલમાં તો જિલ્લામાંથી 30 ડેન્ગ્યુનાં કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુનાં કેસીસ વધતાં શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગે ફીવરનો સર્વે કરાવ્યો હતો. જેમાં કર્મચારીઓ ઘરે ઘરે જઈને સર્વે કરીને લાવ્યા હતા. સર્વેની સાથે અવેરનેસનું કામ પણ કરવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ઘરનાં બારી બારણા બંધ રાખો. એક જગ્યાએ સંગ્રહિત થતાં પાણીના કારણે પણ ડેન્ગ્યુનાં મચ્છરો પેદા થાય છે. જેથી પાણીની સ્ટોરેજ કરવાની જરૂર પડતી હોય તેવા ઘરોમાં પણ સ્ટોર કરેલું પાણી એક દિવસ માટે સંપૂર્ણ ખાલી કરીને ડ્રાય ડિવસ તરીકે રાખવો જોઈએ.

Next Story