/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/c228dc7d-7455-41bf-a789-3c282b81369a.jpg)
ભરુચના કોંગ્રેસ પ્રભારી પ્રભુદાસ પ્રજાપતિની અધ્યક્ષતામાં આજરોજ રોટરી હોલ ખાતે કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પોતાની કારોબારીમાં આજે ગત રોજ બનેલી શરમજનક ઘટનાને વખોડી હતી. અને કારોબારી શરૂ કરતાં પહેલાં આ ઘટનાને વખોડી મિટીંગમાં જ ઉભા રહી તેનો વિરોધ નોંધાવ્યો હતો.
રોટરી ક્લબ હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં ગુજરાત પ્રદેશ સમિતિનાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણીને લઈને જનસંપર્ક અભિયાન વેગવંતુ બનાવવા અને દરેક બુથ માટે 10 સભ્યો નક્કી કરી જવાબદારી સોંપવાનું ઠરાવવામાં આવ્યું હતું.
સાથોસાથ ભરૂચ શહેરનાં ગોલ્ડન બ્રિજથી જે.પી. કોલેજ રોડ ઉપર બની રહેલા ફ્લાયઓવર બ્રિજને આગળ સુધી લંબાવવા તેમજ શ્રવણ ચોકડી ઉપર વધતાં ટ્રાફિકને લઈને નવા ઓવર બ્રિજની માંગ સાથે સરકારમાં રજૂઆત કરવા છતાં તેમાં કોઈ કામગીરી ન થતાં આગામી દિવસોમાં લોકહિતને ધ્યાનમાં લઈને રસ્તા રોકો આંદોલનની પણ રણનીતિ નક્કી કરવામાં આવી હતી. તો પોલીસ ભરતી માટેની ગઈકાલે યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા અચાનક પરીક્ષા રદ્દ કરતો હુકમ કરાયો હતો. આ ઘટનાને શરમજનક અને નિંદનીય ગણાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માંગ કરવા અંગે પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.