ભરૂચ : ઈંડાની લૂંટ ચલાવતો વિડીયો વાયરલ, નબીપુર નજીક ઈંડા ભરેલી પિકઅપ વાને મારી હતી પલટી

0
11865

ભરૂચના નેશનલ હાઈવે ઉપર પાલેજ નજીક નબીપુર પાસે ઈંડા ભરેલી પિકઅપ વાન એકાએક પલટી મારી હતી. ઈંડા ભરેલ પિકઅપ વાન પલટી મારી જતાં લોકોએ ઈંડાની લૂંટ ચલાવી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

વડોદરા તરફથી ઈંડા ભરેલી પિકઅપ વાન નેશનલ હાઈવે પરથી ભરૂચ તરફ આવી રહી હતી. તે દરમ્યાન નબીપુર નજીક અકસ્માત નડતા પિકઅપ વાન પલટી મારી જતાં હાઈવે ઉપર ઈંડાઓ ફરી વળ્યા હતા. જો કે આસપાસના સ્થાનિકોને જાણ થતા લોકો ઈંડાની લૂંટ ચલાવવા માટે દોડી આવ્યા હતા. મહિલાઓ તથા કેટલાક પુરુષો ઈંડાની ટ્રે લઇ ભાગી રહ્યા હોવાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે, તો કેટલીક મહિલાઓ પહેરેલી સાડીમાં ઈંડા ભરીને લઈ જતી નજરે પડી રહી છે. પરંતુ લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવાના બદલે ઈંડાની લૂંટ ચલાવતા જણાઈ આવે છે. ગ્રામજનો તો ઠીક પરંતુ કેટલાક વાહન ચાલકો પણ ઈંડાની લૂંટ ચલાવવામાં મગ્ન બન્યા હતા. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

સમગ્ર બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પિકઅપ વાનને રોડની સાઇડમાં કરાવી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. ત્યાર બાદ પિકઅપ વાનના ચાલકની ફરિયાદના આધારે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. નબીપુર હાઇવે ઉપર ઈંડા પડવાથી માર્ગ ચીકણો થઈ ગયો હતો, જેના કારણે અન્ય વાહન ચાલકો સ્લીપ મારી અકસ્માતનો ભોગ ન બને તે માટે રોડને પાણીથી ધોવડાવી સાફ કરવામાં આવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here