Connect Gujarat
ગુજરાત

ભરૂચ : GNFCમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ, ભાજપના ધારાસભ્યોએ કરી સીએમને ફરિયાદ

ભરૂચ : GNFCમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ, ભાજપના ધારાસભ્યોએ કરી સીએમને ફરિયાદ
X

વાગરા તાલુકાના રહિયાદ ગામે આવેલો ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપની (જીએનએફસી)નો ટીડીઆઇ પ્લાન્ટ વિવાદમાં સપડાયો છે. કંપનીમાં ઉત્પાદિત કરાયેલો અતિ જોખમી ગણાતાં ટીડીઆઇનો 7 હજાર મેટ્રીક ટનથી વધારે જથ્થો વેચાયા વિના પડયો હોવાથી ધારાસભ્યોએ કંપનીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

વાગરાના રહીયાદ ગામે આવેલાં પ્લાન્ટમાં જીએનએફસી કંપની ટીડીઆઇનું ઉત્પાદન કરે છે અને તેની બનાવટમાં ફોસ્જીન ગેસનો વપરાશ થાય છે. ફોસ્જીન ગેસ અંત્યંત ઝેરી હોવાથી ભરૂચમાં પણ ભોપાલ ગેસ દુર્ઘટના જેવી હોનારતનો ખતરો રહેલો છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ સંદર્ભમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી જીએનએફસી કંપનીના એમડી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે, કંપનીનીમાં 7 હજાર મેટ્રીક ટનથી વધારે ટીડીઆઇનો જથ્થો વેચાયા વિના પડી રહયો છે અને આ જથ્થાનો સંગ્રહ વાગરા તથા આસપાસના વિસ્તારમાં વિનાશ નોતરી શકે છે. તેમણે કંપની સામે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે.

હવે વાત કરવામાં આવે જીએનએફસી કંપનીના નીમ પ્રોજેકટની.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કંપનીના નીમ પ્રોજેકટનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચ જિલ્લાની બહેનો લીંબોડી એકત્ર કરી જીએનએફસી કંપનીને આપતી હતી અને તેમાંથી સાબુ, હેન્ડવોશ સહિતની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, કંપનીના વર્તમાન એમડીના મનસ્વી નિર્ણયોના કારણે 11 લાખ કરતાં વધારે સાબુ સહીતની પ્રોડકટો વેચાયા વિના પડી રહી છે. અગાઉ કંપનીની વાર્ષિક સાધારણ સભામાં પણ આ પ્રશ્ન ઉઠાવાયો હતો પણ કંપનીના વલણમાં કોઇ ફેર પડયો ન હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

Next Story