ભરૂચ : વેરવાળા ગામે 25 ફૂટ ઊંડા તળાવમાં હાઇવા ટ્રક ખાબકી, 15 કલાકની જહેમત બાદ ચાલકનો મૃતદેહ મળ્યો

0

ભરૂચ જિલ્લાના વેરવાળા ગામની સીમમાં ગત રોજ એક હાઇવા ટ્રક તળાવમાં ખાબકી જવાની ઘટના સર્જાઈ હતી. જેના પગલે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ હાઈવા ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે લગભગ 15 કલાકની ભારે જહેમત બાદ તળાવમાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દશાનથી કુકરવાડા જવાના માર્ગ ઉપર વેરવાળા ગામની સીમ નજીક આવેલા તળાવમાં ગત રોજ રાત્રિના સમયે એક હાઇવા ટ્રક ગરકાવ થઈ ગઈ હતી. હાઇવા ટ્રક તળાવમાં ખાબકી જવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી, ત્યારે મોડી રાત સુધી ફાયર વિભાગના કર્મચારીઓએ હાઇવા ટ્રકના ચાલકની શોધખોળ માટે રેસક્યું હાથ ધર્યું હતું.

વેરવાળા ગામની સીમમાં આવેલું તળાવ 25 ફૂટથી વધુ ઊંડું હોવાથી રાત્રિ દરમ્યાન ફાયર વિભાગના કર્મચારીઓને સફળતા મળી ન હતી, ત્યારે સતત બીજા દિવસે પણ બોટની મદદથી હાઇવા ટ્રકના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લગભગ 15 કલાકની ભારે જહેમત બાદ તળાવમાંથી હાઈવા ટ્રકના ચાલક બિજયસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આશરે 26 વર્ષીય બિજયસિંહ મૂળ ઝારખંડનો રહેવાસી હતો, જેના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ તેના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો હતો. હાલ તો તળાવમાંથી માટી ઉલેચવાના પ્રયાસ દરમ્યાન ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લાગાડવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here