ભરૂચના ઐતિહાસિક છડી મેળામાં મહેરામણ ઊમટયું

New Update
ભરૂચના ઐતિહાસિક છડી મેળામાં મહેરામણ ઊમટયું

શ્રાવણવદ નોમના ભરૂચમાં સૈકાઓથી ભોઈજ્ઞાતિ દ્વારા પરંપરાગત ઉજવાતા છડી ઉત્સવમાં જિલ્લા સહિત રાજ્યમાંથી લોકો છડીના દર્શન અને ઝૂલતી જોવાનો લહાવો લેવા ઉમટી પડયાં હતા. સોનેરી મહેલથી લઈ પાંચબત્તી વિસ્તારમાં છડીના મેળામાં મેદની છલકાઈ હતી. ભરૂચમાં ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા પણ પરંપરાગત રીતે છડી કાઢીને તેને ઝુલાવવામાં આવી હતી.

વેજલપુર ખારવા સમાજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા આ તહેવાર ને જોવા દુનિયામાંથી સમગ્ર ખારવા સમાજ ભરૂચ ના વેજલપુર મા આવે છે અને આ તહેવાર છડી ઉત્સવ થી પ્રચલિત છે. આ ખારવા સમાજ નો તહેવાર શ્રાવણ માસ ની સુદ સાતમ થી સવારે શુભ મુહૂર્ત જોઈ ઘોઘારાવ મહારાજ ના મંદિરમાં એમની સ્થાપના કરવામાં આવે છે.

વેજલપુરમાંથી ખારવા સમાજ તેમજ લાલબજાર ખાડીમાં ઘોઘારાવ મંદિરેથી વાલ્મિકી સમાજ દ્વારા છડી કાઢવામાં આવી હતી. ૩૦થી ૪૦ ફૂટ ઊંચી છડીને કમર, હાથ, માથા, છાતી, દાંત ઉપર નચાવતા જોઈ મેળો મહાલવા આવેલી પ્રજા મંત્રમુગ્ધ બની ગઈ હતી. શહેરના પાંચબત્તીથી લઈ સોનેરી મહેલ સુધી હૈયેહૈયું દળાય એટલી જનમેદની વચ્ચે મેળાની રંગત સોળે કળાએ ખીલી ઉઠી હતી. ઢોલ, નગારાના તાલ, ભજનોની રમઝટ વચ્ચે ત્રણેય સમાજની નીકળેલી છડીએ આકર્ષણ જમાવ્યું હતું.

છડી ઝૂલાવતા યુવાનોને દૂધ પીવડાવાનો મહિમા ૩૦થી ૪૦ ફૂટ ઊંચી અને ૪૦ કિલોથી વધુ વજન ધરાવતી છડીને ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજના યુવાનો કમર પર ખેસ અને માથા પર ફેટો બાંધી ઝુલાવે છે. જેઓને દૂધ પીવડાવવાનો મહિમા હોવાથી મહિલાઓ આસ્થા મુજબ દૂધ લઈ છડી ઝૂલાવતા યુવાનોને પીવડાવવા ઉમટી પડી હતી.

ગુરૂ ગોરખનાથના પ્રસંગોમાંથી છડીનો ઉદભવ થયો હતો. છડીનોમના તહેવાર પાછળ સદીઓ જૂની દંતકથા મુજબ મચ્છીન્દ્રનાથ અને તેનાં શિષ્ય ગુરૂ ગોરખનાથના પ્રસંગોમાંથી ઉત્સવની કથાનો ઉદભવ થાય છે. ઉત્સવની ઉજવણી કાછળ અને બાછળ નામની બે બહેનો સાથે અને બાછળ રાણીના પુત્ર ઘોઘારાવ સાથે જોડાયેલ છે. ઘોડા સાથે ઘોઘારાવ મહારાજ જમીનમાં સમાઇ ગયા હતા.

ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી નોમ ચાર દિવસ સુધી સષ્ટિ પર આવે છે અને આ દિવસોએ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દેવી પુરુષનું પ્રતિક છડી છે. છડીએ તેની માતા બાછળનું રૂપ છે છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે. અને ખેસ બાંધવામાં આવે છે છડીને વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી અધ્ધર ચકીને ઝુલવવામાં આવે છે. અંદાજે ૨૫ થી ૩૦ ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા અલોંકિત રીતે ઝૂલાવી લોકો ઉત્સાહમાં વધારો અને જલક રૂપી છડી ને હાથ, છાતી,ખભા પર અને નીચે બેસી સ્થિર રાખી અલોકિક રીતે ઝુલાવનાર કોઇને જોઇ લોકો દિગ્મૂગ્ધ રહી જાય છે. છડીમાં લોકો પોત પોતાની માનતાઓ રૂપી સેવા દૂધ અને છડી માતાને હાર અને ધોતિયા ચડાવી માનતા પુરી કરે છે.

Latest Stories