ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભરાયાં વરસાદી પાણી, સ્વાતંત્ર પર્વનો યોજાવાનો છે કાર્યક્રમ

0

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણીના કાર્યક્રમની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે વરસાદનું આગમન થયું છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી ભરાય જતાં અત્યારે કીચડ થઇ ચુકયો છે. જો વરસાદ ચાલુ રહેશે તો કાર્યક્રમ રદ કરાય તેવી પણ સંભાવના હાલના તબકકે નકારી શકાય તેમ નથી.

ભરૂચમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થનાર છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાના કહેરના કારણે સરકારની ગાઇડલાઇન મુજબ સ્વાતંત્ર પર્વના કાર્યક્રમનું આયોજન કરાય રહયું છે. હાલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ બનાવી દેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે તહેવારોની સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે.

સ્વાતંત્ર પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અગાઉ વાલિયા ખાતે યોજવાનું આયોજન કરાયું હતું પણ સલામતીના કારણોસર હવે તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહયો છે. મંગળવારના રોજથી ભરૂચ શહેર તથા જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અને બુધવારના રોજ સવારથી અવિતરત વરસાદ વરસી રહયો હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પાણીનો ભરાવો થતાં કીચડ જોવા મળી રહયો છે. જો વરસાદ યથાવત રહેશે તો સ્વાતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ રદ થાય તેવી પણ સંભાવના હાલના તબકકે નકારી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here