Connect Gujarat
Featured

ભરૂચ : કબુતરખાનાના શાકભાજી બજારમાં “કબુતર”ની જેમ ઉમટયાં લોકો

ભરૂચ : કબુતરખાનાના શાકભાજી બજારમાં “કબુતર”ની જેમ ઉમટયાં લોકો
X

દેશમાં લોકડાઉન દરમિયાન શાકભાજી, દુધ અને કરિયાણાના વેચાણને છુટ આપવામાં આવી છે અને બધી વસ્તુઓ સરળતાથી મળી રહી હોવા છતાં લોકો ભીડ કરી કોરોના વાયરસને આમંત્રણ આપી રહયાં હોય તેમ લાગી રહયું છે.

વિશ્વભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો છે. ઇટાલીમાં લોકડાઉનને લોકોએ ગંભીરતાથી નહિ લેતાં બે સપ્તાહમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 40 હજારને પાર કરી ચુકી છે. ભારતમાં કોરોના વાયરસથી જાનહાનિ ન થાય તે માટે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકોને પોતાના ઘરોમાંથી બહાર નહિ નીકળવા સુચના આપવામાં આવી રહી છે છતાં શાકભાજી બજારોમાં ભીડ જામી રહી છે. કોરોના વાયરસનો એક સંક્રમિત વ્યકતિ હજારો લોકોને ચેપ લગાડી શકે છે તેથી ખરીદી માટે ભીડ નહિ કરવા લોકોને અપીલ કરવામાં આવે છે. ભરૂચ શહેરના કબુતર ખાના વિસ્તારમાં ભરાતાં શાકભાજીના બજાર ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડતાં શેઠની શીખામણ ઝાંપા સુધીની ઉકતિ સાર્થક થતી હોય તેમ લાગતું હતું.

બીજી તરફ લોકડાઉન હોવા છતાં પણ લોકો કોઇ પણ બહાના હેઠળ ઘરોની બહાર નીકળી રહયાં છે. ગુજરાત અત્યારે નિર્ણાયક તબકકામાંથી પસાર થઇ રહયું છે ત્યારે સોશિયલ ડીસ્ટન્સને પ્રાધાન્ય નહિ આપવામાં આવે તો આપણા દેશની હાલત ઇટાલી કરતાં પણ ખરાબ થઇ જશે તે ચોકકસ છે. કનેકટ ગુજરાત તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે. જીવન જરૂરીયાતની વસ્તુની અછત ન સર્જાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે અને તેની અછત ઉભી થવા નહિ દે. જરૂર જણાય તો જ ખરીદી માટે બહાર નીકળો અન્યથા ઘરમાં જ રહેવાનો પ્રયાસ કરશો. આપની જાગૃતિ સમગ્ર દેશને કોરોના વાયરસની ચુંગાલમાંથી બચાવી શકે તેમ છે.

Next Story