Connect Gujarat
Featured

ભરૂચ : કંબોઇમાં સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહા શિવરાત્રીની ઉજવણી

ભરૂચ : કંબોઇમાં સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહા શિવરાત્રીની ઉજવણી
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવના મંદિર ખાતે મહા શિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરાઇ હતી. સવારથી જ મહાદેવના દર્શન તથા અભિષેક માટે ભકતોની ભીડ જામી હતી.

ખંભાતના અખાતમાં મહીસાગર નદી અને અરબી સમુદ્રનું જયાં મિલન થાય છે ત્યાં કાવી- કંબોઇ તીર્થસ્થાન આવેલું છે. દરિયામાં આવતી ભરતીના સમયે શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઇ જાય છે અને ઓટના સમયે શિવલિંગના દર્શન થાય છે. સોમવાર, બુધવાર અને શનિવારના રોજ આવતી અમાસ તથા શિવરાત્રિના દિવસે કાવી- કંબોઇ ખાતે દર્શન માટે હજારોની સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડતાં હોય છે. સવારના સમયે શિવાલયથી દુર વહેતો દરિયો સાંજ સુધીમાં તો મંદિરને પોતાની અંદર સમાવી લેતો હોય છે. આ નયનરમ્ય દ્રશ્ય માનવીમાત્રને શિવમય બનાવી દેતું હોય છે. મહા શિવરાત્રીના પાવન અવસરે હજારોની સંખ્યામાં ભકતો સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટી પડયાં હતાં. લોક વાયકા મુજબ તાડકાસુરના વધ બાદ શિવપુત્ર કાર્તિકેયે આ સ્થળે શિવલિંગની સ્થાપના કરી હતી. ભાવિક ભકતોએ શિવજીનો દુધ અને જળથી અભિષેક કર્યો હતો.

Next Story