/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-17.jpg)
અહીં છે દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ મહાદેવજીનું શિવલિંગ
ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયાકિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે.
મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ "ગુપ્ત તિર્થ" તેમ જ "સંગમ તિર્થ" તરીકે પણ ઓળખાય છે. અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે. જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા ભરૂચ તેમ જ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા નહાર થઇ કાવી પહોંચાય છે. અહીંથી કંબોઇ જવા માટેના રસ્તાને પણ ૨૦૦૮ના વર્ષ દરમ્યાન રાજ્ય ધોરી માર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ થયું છે.
એક ઈતિહાસ પ્રમાણે તારકાસુર રાજા દ્વારા ઘોર તપ કરવામાં આવ્યું હતું અને ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને બ્રહ્માજી પાસે વરદાન માંગવા માટે કહ્યું. તારકાસુર રાજા એ એવું વરદાન માંગ્યું કે સાત દિવસના બાળક સિવાય તેને કોઈ મારી શકે નહિ. અને પછી તો તારકાસુર રાજા દ્વારા હાહાકાર મચી ગયો અને દેવોને અને ઋષિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો તેથી કરીને દેવો બધા ભેગા થઇને ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું હે મહાદેવ અમારી તારકાસુરથી રક્ષા કરો.ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે મારો પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા તારકાસુરનો સંહાર થશે. ત્યાર બાદ ભગવાન કાર્તિકેય દ્વારા જન્મના સાતમાં દિવસે તારકાસુરનો વધ કરવામાં આવ્યો. પરંતુ તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત છે એવી ખબર જયારે કાર્તિકેય સ્વામીને ખબર પડી તો તેમને ખુબ જ દુઃખ થયું, જેના પ્રાશ્ચિત માટે તેમને આ જગ્યા એ શિવલિંગ ની સ્થાપના કરી જે સ્તંભેશ્વર મહાદેવ ના નામે ઓળખાય છે.
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે. છ હજાર વર્ષ પહેલા વેદ વ્યાસે લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ છે તેવુ મંદિરના સંચાલક પરમ પૂજ્ય વિધાનંદજી મહારાજે જણાવ્યુ હતુ. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડના 72માં પાનાથી 189 નંબરના પૃષ્ઠ સુધી સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ વિષે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યુ છે. સ્તંભેશ્વર મહાદેવ તીર્થ અપ્રચલિત/ગુપ્ત કેમ રહ્યું? એક ઈતિહાસ પ્રમાણે બ્રહ્માજીની સભામાં દરેક તીર્થ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું. અને બધા વચ્ચે એક સંવાદ થયો કે કોની પૂજા પહેલા કરવામાં આવે? કોઈ તીર્થ પોતાનો પક્ષ લઈને આગળ ના આવ્યો પરંતુ સ્તંભેશ્વર તીર્થે પોતાના પ્રથમ અર્ચન-પૂજન ને લાયક ગણ્યો.
આ સભામાં બ્રહ્માજીના પુત્ર ધર્મદેવ પણ હાજર હતા અને તેમને આ અવિવેક ના ગમ્યો અને એમને સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમારું તીર્થ ગુપ્ત રહેશે. પરંતુ બ્રહ્માજી અને કાર્તિકેય સ્વામી વચ્ચે પડીને શ્રાપમાં રાહત અપાવી અને ધર્મદેવે વરદાન આપ્યું કે આ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ નું શનિવારની અમાસે જે કોઈ ભાવપૂર્વક દર્શન કરશે તેમને પ્રયાગ, પુષ્કર અને પ્રભાસ ની યાત્રાનું ફળ મળશે. સ્તંભેશ્વર મહાદેવને સ્વયં સમુદ્ર દિવસમાં બે વખત જળાભિષેક કરીને જાય છે. ભરતીના દિવસે આ શિવલિગ સાથે આખું મંદિર જળસમાધિ લે છે અને એક અનેરું દ્રશ્ય જોવા મળે છે. દિવસમાં બે વખત પાણી મંદિરની નજીક આવે છે અને ધીમે ધીમે પાણી જાતે જ શિવલિંગને જળાભિષેક કરતો જોઇને શ્રધ્ધાળુઓ કુતૂહલ જોવા મળે છે. શ્રાવણ માસે, કાર્તિક માસે, સોમવારી અમાસે ખાસ કરીને શિવભકતો વધુ પ્રમાણમાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસની અમાસે અહિયાં મોટો મેળો ભરાય છે.
છ હજાર વર્ષ પહેલા વેદ વ્યાસ દ્વારા લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેવુ મંદિરના સંચાલક દ્વારા જણાવામાં આવેલ છે. જે કોઈ આ તીર્થના દર્શન કરશે તેની બધી જ મનોકામના પૂરી થશે અને ભગવાન મહાદેવની કૃપા હંમેશની માટે તમારા પર વરસતી રહેશે.
આ સ્થળે પવિત્ર નદી મહિસાગરનો દરિયા સાથે સંગમ થાય છે જેથી તેને સંગમેશ્વર તીર્થ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર સ્થળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોવાંચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રિનો ભવ્ય મેળો ભરાય છે. મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનુ જાણે કિડીયારુ ભરાય છે. ઉપરાંત દર અમાસે અહીં મેળાનુ આયોજન કરવામાં આવે છે. શિવના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે અહીં ચારે પ્રહર સુધી ભગવાન શંકરનુ પુજન-અર્ચન કરવામાં આવે છે. તદઉપરાંત પૂનમ અને અગિયારસની રાત્રે પણ સેંકડો ભક્તો આખી રાત ભગવાનની વિશેષ પૂજાનો લાભ લે છે.