-
ભરૂચમાં લોકશાહીનો મહાપર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન
-
જિલ્લામાં સરેરાશ 71.34 ટકા જેટલું નોંધપાત્ર મતદાન
-
જિ.પં.માં 72.94 ટકા અને તા.પં.માં 72.91 ટકા મતદાન
-
342 બેઠકો માટે 13.80 લાખથી વધુ મતદારોએ કર્યું મતદાન
-
28મી એપ્રિલે ખુલશે નસીબના તાળા,ઉમેદવારોના જીતના દાવા
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો હતો,અને તારીખ 26ના રોજ રવિવારે લોકશાહીનો આ ઉત્સવ પૂરજોશમાં ઉજવાયો હતો. જિલ્લાના મતદારોએ પરિવર્તન કે પુનરાવર્તન માટે ઈવીએમનું બટન દબાવીને ઉમેદવારોના ભાવિ સીલ કરી દીધા હતા.
ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 342 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં સરેરાશ 71.34 ટકા જેટલુ માતબર મતદાન નોંધાયું છે. કુલ 13 લાખ 80 હજાર 667 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવી છે.જેમાં જિલ્લા પંચાયતની કુલ 33 બેઠકો માટે 72.94 ટકા મતદાન નોંધાયું છે.જ્યારે 9 તાલુકા પંચાયતની 177 બેઠકો પર 72.91 ટકા મતદાન નોંધાયું હતું.આ ઉપરાંત ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે 68.18 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
ગામડાઓમાં શહેરની સરખામણીએ મતદાનનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો.28મી એપ્રિલ, મંગળવારના રોજ જ્યારે મતોની ગણતરી હાથ ધરાશે, ત્યારે સ્પષ્ટ થશે કે ભરૂચની જનતાએ કોના પર કળશ ઢોળ્યો છે. હાલ તો ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અન્ય અપક્ષ ઉમેદવારો પોતપોતાની જીતના ગણિત માંડી રહ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હવે સૌની નજર 28મી એપ્રિલ પર ટકેલી છે. જોવાનું એ રહેશે કે ભરૂચના વિકાસની બાગડોર કોના હાથમાં આવે છે.
