Connect Gujarat
Featured

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાની “નારાજગી”, પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર થયો વાયરલ

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાની “નારાજગી”, પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર થયો વાયરલ
X

ભરૂચ લોકસભા બેઠક પર સાત ટર્મથી ચુંટાય આવતાં સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટી ભાજપથી નારાજ થઇ ગયાં છે. હાલ સોશિયલ મિડીયામાં તેમના રાજીનામાનો પત્ર વાયરલ થઇ રહયો છે. સાંસદ મનસુખ વસાવા નર્મદાના 121 ગામોને ઇકો સેન્સટીવ ગામોમાં સમાવેશ કરાતાં તેઓ નારાજ છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં ભરૂચ અને નર્મદા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહયો છે. એક તરફ કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન તુટી ગયું છે તો બીટીપીના આગેવાન અને ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા અસાઉદ્દીન ઓવેસીની પાર્ટી સાથે ગઠબંધનની શકયતાઓ વિચારી રહયાં છે. આ બધા રાજકીય ઘટનાક્રમ વચ્ચે સૌથી મહત્વનો વળાંક મંગળવારના રોજ આવ્યો હતો. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના અગ્રણી મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યો હોવાનો પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

મનસુખ વસાવાને આખાબોલા નેતા ગણવામાં આવે છે અને તેઓ તેમના પક્ષ સામે પણ બાંયો ચઢાવતાં સહેજ પણ ખચકાંતા નથી. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થયાં બાદ કેવડીયાના સ્થાનિક વેપારીઓની રોજગારી છીનવાઇ જતાં તેમણે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડૉ. રાજીવ ગુપ્તાને આડે હાથ લઇ તેમને અંગ્રેજ વાઇસરોય ગણાવી દીધાં હતાં. આ ઉપરાંત આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે પણ તેમણે ઝુંબેશ ચલાવી હતી. આ સંદર્ભમાં તેમને ટેલીફોન પર જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી ચુકી છે. તાજેતરમાં રાજય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આવતાં 121 જેટલા ગામોને ઇકો સેન્સટીવ ઝોન જાહેર કરી દીધાં છે. સરકારના નિર્ણયથી આદિવાસીઓની જમીનમાં સરકારી હસ્તક્ષેપ થતાં તેમણે સીધો વડાપ્રધાનને પત્ર લખી આદિવાસી સમાજની નારાજગી વિશે માહિતગાર કર્યા હતાં.

2014ની લોકસભાની ચુંટણી બાદ મનસુખ વસાવાને કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન અપાયું હતું પણ થોડા સમય બાદ તેમને હટાવી લેવાતાં તેઓ નારાજ થયાં હતાં પણ એક દિવસમાં મોવડી મંડળે તેમને મનાવી લીધાં હતાં. હવે તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મોકલ્યું છે અને વધુમાં સંસદસભ્યનું પદ છોડવાની તૈયારી બતાવી છે. મનસુખ વસાવાના પગલાં બાદ સી.આર.પાટીલે તેમને મનાવી લેવાશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેમ મનસુખ વસાવાના રાજીનામા પણ ચુટકી લીધી છે..

બીજી તરફ સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના રાજીનામા પર અડગ છે. રાજીનામાના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓ નાદુરસ્ત તબિયતના કારણે હવે રાજકારણમાંથી સન્યાસ લેવા માંગે છે.

Next Story