Connect Gujarat
Featured

ભરૂચ : નર્મદા એપાર્ટમેન્ટના ફલેટ બન્યાં જોખમી, ફલેટ ખાલી કરી દેવા પાલિકાએ આપી નોટીસ

ભરૂચ : નર્મદા એપાર્ટમેન્ટના ફલેટ બન્યાં જોખમી, ફલેટ ખાલી કરી દેવા પાલિકાએ આપી નોટીસ
X

ભરૂચની કલેકટર કચેરીની સામે આવેલાં નર્મદા એપાર્ટમેન્ટના 25 જેટલા બ્લોકમાં રહેતાં લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા માટે પાલિકાએ નોટીસ આપતાં રહીશોમાં દોડધામ મચી ગઇ છે. વૈકલ્પિક વ્યવસ્થા વિના જ નોટીસો ફટકારી દેવામાં આવતાં લોકોએ રોષ ઠાલવ્યો હતો.

સાંપ્રત સમયમાં ઘર ખરીદવું મધ્યમવર્ગીય પરિવારો માટે મુશ્કેલ બની ગયું છે તેવામાં ઘર ખાલી કરવાની નોટીસ મળવીએ મધ્યમવર્ગીય લોકો માટે પડતા પર પાટુ મારવા સમાન છે. આવી જ હાલત ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના રહીશોની જોવા મળી રહી છે. ભરૂચની કલેકટર કચેરીની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રહેણાંક મકાનો બનાવાયાં હતાં. હાલ નર્મદા એપાર્ટમેન્ટમાં 300 જેટલા પરિવારો વસવાટ કરી રહયાં છે. નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતાં લોકોમાં પાલિકાએ આપેલી નોટીસ બાદ દોડધામ મચી છે.

ભરૂચ નગરપાલિકાએ આપેલી નોટીસમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્ટ્રકચરલ રીપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ મકાનોનું બાંધકામ 30 થી 35 વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે. આ મકાનો હાલ જર્જરીત બની ગયાં છે તેથી ફલેટ ધારકોએ તેમના ફલેટ ખાલી કરી અન્ય સ્થળે ચાલ્યાં જવું તેમજ કોઇ હોનારત ન થાય તે માટે તેમના ફલેટ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવી. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ફલેટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી પણ તેમણે ફલેટ હજી સુધી ખાલી કર્યા નથી. આગામી દિવસોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી રહીશો રીડેવલપમેન્ટ યોજનાનો લાભ લે તેવા પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલાં ભયજનક મકાનોમાં રહેતાં લોકોને નોટીસ આપવામાં આવે છે પણ વૈકલ્પિક વ્યવસ્થા નહી હોવાથી લોકો ભયજનક મકાનોમાં જીવના જોખમે રહેતાં હોય છે. દર ચોમાસામાં ભરૂચ શહેરમાં ભય જનક મકાનો ધરાશાયી થવાના બનાવો બનતાં રહે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વહીવટીતંત્ર અને સ્થાનિક રહીશો આગળ આવે તે જરૂરી છે.

Next Story