નેત્રંગ પોલીસને મળી સફળતા

વાહન ચેકીંગ દરમિયાન મળી સફળતા 

કર્ણાટક ચોરીનો ભેદ ઉકેલાયો

આંતરરાજ્ય ચોર ટોળકી ઝડપાઇ

રૂ.6.55 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત

ભરૂચની નેત્રંગ પોલીસે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી.

ભરૂચની નેત્રંગ પોલીસે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,તે દરમિયાન ડેડીયાપાડા તરફથી આવતી હ્યુન્ડાઈ આઈ-20 કારમાં સવાર શંકાસ્પદ શખ્સોએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.

કારમાંથી સોના-ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની-મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પત્રીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1.20 લાખના ઘરેણાં અને અન્ય સામાન, રૂપિયા 5 લાખની કાર તથા રૂપિયા 35 હજારના ચાર મોબાઇલનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંઘ રાવત અને નારનસિંઘ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંઘ રાઠોડનો સમાવેશ થાય છે.પોલીસે તપાસ દરમિયાન કિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો છે.