ભરૂચ : ઉંટીયાદરાની કંપનીમાં લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયો

0

અંકલેશ્વરના ઉટીયાદરા ગામ નજીક બંધ પડેલી પી.જી.ગ્લાસ કંપનીમાં 3 વોચમેનની હત્યા કરી લૂંટ ચલાવવાના પ્રકરણમાં ભરૂચ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીને સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડયાં છે.

ઉટીયાદરા ગામ પાસે આવેલી પી.જી. ગ્લાસ કંપની 3 વર્ષથી બંધ હાલતમાં છે પણ તેમાં કરોડો રુપિયાની મશીનરી યથાવત પડી છે. થોડા દિવસ અગાઉ 20થી વધારે લૂંટારૂઓ લૂંટ કરવાના ઇરાદે કંપનીમાં ત્રાટકયાં હતાં. કંપનીમાં હાજર તમામ 6 વોચમેને લુંટારૂઓને પડકાર્યા હતાં જેમાં લૂંટારૂઓએ હીંસક હુમલો કરતાં 3 વોચમેનના મોત થયાં હતાં.  ઘટના બાદ ભરૂચ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી. પોલીસનો ડોગ કંપનીની નજીકમાં આવેલા એક ખેતરમાં જઇને અટકી ગયો હતો જયાંથી પોલીસને કીમ પાસે આવેલી હોટલ રોયલ ઇનના ખાલી ડબ્બા મળી આવ્યાં હતાં. જેના આધારે પોલીસે લૂંટારૂઓને દબોચી લેવા માટે બાતમીદારો કામે લગાડ્યાં હતાં. જેમાં લૂંટારૂઓ અમરોલી કોસાડના હોવાની ચોકકસ માહીતી મળી હતી. જેના આધારે છાપો મારી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.  પોલીસની પૂછપરછમાં આરોપીઓ પીકઅપ વાનમાં અમરોલીથી ઉંટીયાદરા આવ્યાં હતાં અને કંપનીની દિવાલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો. લૂંટ કરતાં પહેલા તેમણે ખેતરમાં મીજબાની માણી હતી અને જેમાં મુખ્ય સુત્રધાર લાલાએ તમામ સાગરિતોને કસમ ખવડાવી હતી કે કંપનીના સીકયુરીટીવાળા પીછો કરે તો કોઇએ ભાગવું નહિ અને એક બીજાની મદદગારી કરી તેમનો સામનો કરવો અને જે ભાગી જશે તેના પર માતાજીનો કોપ વરસશે. અને આ કસમ બાદ કંપનીમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી બે દેશી તમંચા, થ્રી વ્હીલ ટેમ્પો અને જીવતા કારતુસ સહિતનો મુદામાલ કબજે કરાયો છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં ચંદ્રપાલ, સુનિલ, અનિલ, અંકુર અને દિવ્યેશનો સમાવેશ થાય છે. જયારે મુખ્ય સુત્રધાર લાલા સહિત અન્ય 8 આરોપી ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here