/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/17190652/maxresdefault-203.jpg)
અંકલેશ્વર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહયો હોવાથી અનેક રસ્તાઓ ધોવાય ગયાં છે. ખાસ કરીને અંકલેશ્વરથી વાલીયાને જોડતાં માર્ગના ખસ્તા હાલ જોવા મળી રહયાં છે. રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયાં હોવાના કારણે વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. આ રોડ ઉપર કોવીડ- 19ની સારવાર કરતી જયાબેન મોદી હોસ્પિટલ પણ આવેલી છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ મહત્વનો માર્ગ હોવાથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત જીઆઇડીસીના રહેણાંક વિસ્તારના લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતથી ગુજરાતમાં ભારદારી વાહનો પણ આજ રસ્તેથી રાજયમાં દાખલ થાય છે. દર વર્ષે ચોમાસામાં આ રસ્તો ધોવાય જતો હોય છે. હાલ પણ વાલીયા ચોકડીથી રસ્તાના હાલ બેહાલ થઇ ગયાં છે. રસ્તા કરતાં વધારે ખાડાઓ દેખાય રહયાં છે. ખાડાઓના કારણે વાહનો ધીમી ગતિથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામ પણ થઇ રહયો છે. ખાડાઓ અકસ્માતનું પણ કારણ બની રહયાં છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળનો આ રસ્તો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વહેલી તકે આ રસ્તાનું રીપેરીંગ કરાવે તે જરૂરી બની ગયું છે. બિસ્માર રસ્તાના કારણે મોટો અકસ્માત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે તેવો સવાલ પણ વાહનચાલકો ઉઠાવી રહયાં છે.