/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/vlcsnap-2018-11-23-18h12m24s247.png)
શુક્લતીર્થનાં મેળામાં આસપાસનાં ગામોમાંથી લોકો મેળાનાં સ્થળે આવીને રહે છે
ભરૂચનાં શુકલતીર્થ ખાતે યોજાતા કાર્તિકી પૂનમના મેળામાં જિલ્લા સહિત રાજ્યભરમાંથી પણ લોકો ઉમટી પડે છે. ત્યારે આ મેળામાં એક અનોખી માન્યતા પ્રવર્તી રહી છે. જેમાં આસપાસના ગામોના લોકો તંબુ બાંધીને દસ દિવસનું રોકાણ કરતાં હોય છે. તેની પાછળની માન્યતા એવી છે કે, કાર્તિકી પૂર્ણિમાં પછી શુભ પ્રસંગો શરૂ થતા હોય આ મેળામાં મ્હાલવા આવતા યુવક-યુવતીઓ એખબીજાની પસંદગી કરે છે અને સગપણ કરી લગ્ન જીવનમાં આગળ વધતા હોય છે.
શુક્લતીર્થનાં આ મેળામાં આસપાસના ગામડાઓના લોકો પહેલા ગાડા જોડીને આવતાં હતાં અને તંબુ બનાવીને તેમાં 10 દિવસનું રોકાણ કરતાં હતાં. હવે બદલાયેલા જમાનામાં ગાડાઓનું સ્થાન ટ્રેકટરોએ લઇ લીધું છે. મેળામાં મનોરંજન માટે ચકડોળ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. શ્રધ્ધાળુઓની સલામતી અને સુરક્ષા માટે ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર તરફથી પગલાંઓ ભરવામાં આવ્યાં છે. મેળામાં ચૌદશ અને પૂર્ણિમાના દિવસે આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા સૌથી વધારે રહેતી હોય છે.
કેલોદ ગામનાં વતની પરેશ પટેલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શુક્લતીર્થ નજીકથી પસાર થતી પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી શુક્લેશ્વર મહાદેવનાં દર્શન કરવાથી મનુષ્યનું શુધ્ધિકરણ થાય છે. પાપોનો સંપૂર્ણ નાશ થાય છે. ત્યારે અહીંનાં આસપાસનાં ગામોમાં જે પાટીદાર સમાજનાં લોકો વસે છે. તેઓ દસ દિવસ આ મેળામાં આવીને તંબુ બંધીને અહીં જ રહે છે. અને મેળામાં આવતા લોકો માંથી યુવક-યુવતીઓની પસંદગી કરવાની એક પરંપરા ચાલે છે. આ મેળામાં યુવક-યુવતીની પસંદગી કર્યા પછી તેમનું સગપણ કરવામાં આવે છે. જેને અનુસરીને આજે પણ અહીં લોકો તંબુ તાણીને દસ દિવસ સુધી રહે છે.
શુક્લતીર્થનાં મંદિરનું મહાત્મ્ય
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તેઓના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં પ્રતિવર્ષ પાંચ દિવસ સુધી મેળો યોજાય છે. શુક્લતીર્થ ખાતે બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્વેત છે જે સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. અન્ય સ્થળોએ ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્યામ હોય છે પરંતુ અહીં આ પ્રતિમા રેતીમાંથી બનેલ છે. અને સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય બેવડાઇ જાય છે.
આ પ્રતિમાના દિવસના ત્રણ સમયે અલગ અલગ દર્શન થાય છે. સવારે બાલ્યાવસ્થા, બપોરે યુવાવસ્થા તથા સાંજે વૃદ્ધાવસ્થામાં ભગવાન વિષ્ણુનાં દર્શન થાય છે. પ્રતિવર્ષ ભગવાન વિષ્ણુના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાતા મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને અહીં નર્મદા સ્નાન કરી ભગવાનના દર્શનનો લ્હાવો મેળવે છે.