ભરૂચ : અંકલેશ્વરના માર્ગોની અતિ બિસ્માર હાલત, ઉગ્ર રજૂઆત સાથે યુથ કોંગ્રેસ દ્વારા પાઠવાયું આવેદન પત્ર

New Update
ભરૂચ : અંકલેશ્વરના માર્ગોની અતિ બિસ્માર હાલત, ઉગ્ર રજૂઆત સાથે યુથ કોંગ્રેસ દ્વારા પાઠવાયું આવેદન પત્ર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગોની અતિ બિસ્માર હાલતના કારણે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગ કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરના અતિ બિસ્માર માર્ગના કારણે અવારનવાર અકસ્માતો તેમજ વાહનો પલટી મારી જવાની ઘટનાઓ અનેક વાર સર્જાઈ ચૂકી છે, ત્યારે મંગળવારના રોજ અંકલેશ્વર શહેર નગરપાલિકા કચેરી સામે ઉબડખાબડ માર્ગ પરથી પસાર થતા એક ટેમ્પોમાંથી ઈંડાની ટ્રે પડી હતી. જેના કારણે સેંકડો ઈંડા માર્ગ પર ફૂટતા અનેક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે શહેરમાં ઠેર ઠેર બિસ્માર બનેલા માર્ગના પગલે યુથ કોંગ્રેસ દ્વારા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નિસક્રિય અને બેપરવાહ બનેલા તંત્રએ આ મામલે કોઈ નિરાકરણ નહીં લાવતા યુથ કોંગ્રેસ દ્વારા ફરી વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.

શહેરના ભરૂચી નાકા નજીક આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે અંક્લેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભરત પરમાર, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનુગા, પ્રતિક કાયસ્થ, વિનય પટેલ, અતુલ પટેલ, સુનિલ પટેલ અને હેમંત પટેલ સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું. જેમાં બિસ્માર માર્ગના સમારકામ અર્થે તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો માર્ગનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન કરવાની યુથ કોંગ્રેસ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories